
દાહોદ,દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. આગમાં કેટલા રૂપીયાનું નુકસાન થયું તે હાલ જાણી શકાયું નથી, પરંતું ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.

ગતરોજ રાત્રીના સમયે ગરબાડા નગરમાં મઢી ફળિયામાં એક દુકાનના માલિક તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યાર બાદ રાત્રીના આઠ વાગ્યાના સુમારે દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આગના કારણે દુકાનમાંથી ધુમાડો નીકળવા લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દુકાન માલિકને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને દુકાન ખોલી લોકોએ પાણીનો મારો ચલાવી દુકાનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. દુકાનમાં આગ ક્યાં કારણે લાગી તે હાલ જાણવા મળ્યું નથી, પરંતુ દુકાનમા આગ લાગતા દુકાનનો સરસામાન બળી જતા વેપારીને નુકશાન થવા પામ્યુ છે. આ બાબતે ગરબાડા સરપંચ અને તલાટી કમ મંત્રીને જાણ કરતા પંચ ક્યાસ કરી સરકારી સહાય ચૂકવવાના કાગળો કરવાની કામગીરી કરાઇ હતી.