ગરબાડા, થોડાક દિવસો અગાઉ જયારે યુરિયા ખાતરની વર્તાઈ રહેલી તંગી વચ્ચે રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતર પુરતા પ્રમાણમાં કેન્દ્રમાંથથી આવી રહી હોવાની વાત કરી હતી જોકે હાલ ખાતરની જરૂરિયાતના સમયે અનેક વિસ્તારોમાં ખેડુતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ખાતર માટે લાગેલી લાંબી કતારો પણ મંત્રીએ જોવી જોઈએ.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ધરતીપુત્રો દ્વારા મોંધા ભાવના બિયારણો લાવી વાવેતર પણ કરી દીધુ છે. ત્યારે હાલ નિંદામણની પ્રક્રિયા ચાલુ હોય અને ખેડુતોને ખાતરની જરૂરિયાત પડતા ખેડુતો ખાતર માટે રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગરબાડામાં આવેલા એપીએમસી કમ્પાઉન્ડમાં આવેલા ખાતર ડેપો ઉપર વહેલી સવારથી જ લોકો ખાતર માટે લાઈનોમાં બેઠેલા જોવા મળ્યા હતા. ખાતરની અછતના કારણે ડેપો પર ખાતર ખુટી જતા ત્રણ-ચાર દિવસથી ખેડુતો ખાતર ડેપો પર તપાસ કરવા આવતા હતા. હાલમાં મકાઈ તેમજ ડાંગર માટે ખેડુતોને ખાતરની જરૂર પડતી હોય ત્યારે તમામ ખેડુતોને ખાતર મળી રહે તે માટે વ્યકિત દીઠ બે ખાતરની થેલીઓ આપવામાં આવી રહી છે તેમ જાણવા મળ્યુ હતુ.