ગરબાડા,મુળ ગ્વાલિયરના ધનશ્યામભાઈ કુશવાહનો પરિવાર પાછલા 6 વર્ષથી ગરબાડા ગામમાં હનુમાનજી મંદિર પાસે રહેતા ગોપાલભાઈ ભાભોરના મકાનમાં ભાડેથી રહી પકોડી વેચવાનો વ્યવસાય કરે છે. ધનશ્યામભાઈના પુત્રની વહુને ડીલીવરી આવવાની હોવાથી તેઓ પુત્રવધુને ડીલીવરી માટે વતનમાં મુકવા ગયા હતા. તે સમયે ત્યાંથી એક માસ પહેલા જ તેમની દિકરી ખુશ્બુ અને તેના ત્રણ વર્ષના પુત્ર અનુરાજને ગરબાડા લાવ્યા હતા. તા.12ના રોજ સવારના સમયે ફળિયાના બાળકો સાથે રમતા રમતા કયાંક જતો રહ્યો હોવાની પરિવારજનોને જાણ થતાં શોધખોળ આદરી હતી. તે સમયે ધરની બહાર આવેલ પાણીની ટાંકીમાંથી અનુરાજ મળતા તાત્કાલિક અસરથી તેને ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ધટના બાબતે પોલીસે પંચકયાસ કરી અને બાળકના મૃતદેહને પી.એમ.માટે ગરબાડાના સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો. આમ તો આ પાણીની ટાંકીને ઢાંકણુ પણ છે. પરંતુ વહેલી સવારથી જ પાણીની જરૂર પડતી હોય જેથી સવારથી જ ટાંકી ખુલ્લી હતી. પી.એમ.કર્યા બાદ મૃત બાળકને તેના વતન ગ્વાલિયર લઈ જવામાં આવ્યો હતો.