ગરબાડા, ગરબાડા રામનાથ મહાદેવ મંદિરની પાસે આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલને તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા 2021માં હુકમ કરાયો હતો. તેમ છતાં અત્યાર સુધી આ જર્જરિત કોમ્યુનિટી હોલને તોડવામાં નહિ આવતા તેની આડમાં અનેક પ્રકારના ગેરકાનુની કામો થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ગરબાડા રામનાથ સરોવરના કિનારે અનેક મંદિર આવેલા છે. રામનાથ મહાદેવ મંદિર પરીસરની પાસે એક જ જર્જરિત કોમ્યુનિટી હોલ આવેલો છે. જેની બાજુમાં સરોવરના કિનારે લોકો કુદરતી હાજતે જતા હોય તેમજ કેટલાક વ્યસનીઓ દારૂની મહેફીલ માણતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ કોમ્યુનિટી હોલને તોડવા માટે 2021માં મદદનીશ ઈજનેર તાલુકા પંચાયત ગરબાડા તાલુકા વિકાસ અધિકારી તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા ઓર્ડર કરાયો હતો. પરંતુ બે વર્ષ થવા આવ્યા છતાં આ કોમ્યુનિટી હોલ તોડાયો નથી. જેના કારણે આ બંધ પડેલા હોલની આડમાં અનેક ગેરકાયદેસર કામો થતાં હોવાનુ બુમો ઉઠવા પામી છે. ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા હાલમાં આ હોલની બાજુમાં 15માં નાણાંપંચ અંતર્ગત 5 લાખના ખર્ચે કોટ બનાવવામાં આવ્યો છે. જેથી દુષણ અટકે પરંતુ કોટ બન્યા બાદ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. અગાઉ રામનાથ મહાદેવ મંદિરના પુજારી દ્વારા જિલ્લા પોલીસ વડાને આ વિસ્તારમાં હોમગાર્ડ પોઈન્ટ મુકવા માટે લેખિત રજુઆત કરાઈ હતી. પરંતુ પરિણામ શુન્ય આવ્યુ હતુ. કોમ્યુનિટી હોલ તોડવા બાબતે ગરબાડા ગામના સરપંચ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે,વહેલી તકે આ કોમ્યુનિટી હોલને જમીનદોસ્ત કરાશે.