ગરબાડા હાટ બજારમાં સ્વીપ હેઠળ રંગલો – રંગલીએ ભવાઈ ભજવી મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી સમગ્ર જીલ્લામાં દરેક મતદાર અવશ્ય મતદાન કરી લોકતંત્રના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી દાહોદ જીલ્લામાં સો ટકા મતદાન થાય એ હેતુથી જીલ્લા વહીવટી તંત્ર જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો કરી રહ્યું છે.

સ્વીપ અભિયાન હેઠળ ગરબાડાના હાટ બજારમાં રંગલો – રંગલી દ્વારા ભવાઈ ભજવી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. જાહેરમાં ભજવાયેલ આ ભવાઈ થકી મતદાન જાગૃતિને લગતા વિવિધ સંદેશાઓ આપી સો ટકા મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બજારમાં આજુબાજુ તેમજ દૂર દૂરથી મોટાભાગના લોકો ખરીદી કરવા આવતા હોવાથી ત્યાં લોકોની હાજરી ઘણી હોય છે. જ્યાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવાથી ઘણા લોકો સુધી આ સંદેશો પહોંચાડી શકાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.