- આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને તાલીમ અપાઈ.
દાહોદ,રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી તાલીમ તમામ જીલ્લામાં આપવામાં આવી રહી છે. દાહોદ જીલ્લામાં પણ દરેક તાલુકાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા તેમજ મિશ્રપાકો તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ બાગાયતી મોડલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. ગરબાડાના મોડેલ ફાર્મ પર સમગ્ર દાહોદ જીલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી વિષયક પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ રસ દાખવી ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદના આગમન પહેલાં ખેડૂતો પોતાના સીઝનલ વરસાદી પાક માટે આગોતરી તૈયારી કરતા હોય છે. જેમાં બિયારણ અને ખાતરને પાક માટે મુખ્ય ગણીએ તો આપણે પાક માટે કઈ પદ્ધતિ અપનાવીએ એ ખુબ જ મહત્વનું છે. પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતી કરતા ઉત્તમ અને ગુણવતાયુક્ત છે. એનામાં પાકની અને જમીન એમ બન્નેની ગુણવતા જળવાઈ રહે છે અને જમીન પણ ફળદ્રુપ બને છે. જેથી પાક કે જમીનને નુકસાન થવાને કોઈ અવકાશ રહેતો નથી.