ગરબાડામાં રમતનુ મેદાન અને જાહેર શોૈચાલય બાબતે મામલતદાર અને ટી.ડી.ઓ.ને રજુઆત

ગરબાડા,

ગરબાડા નગરની વર્ષો જુની પાણીની સમસ્યાના નિવારણ, બસ સ્ટેન્ડ, રસ્તા, મહાદેવ મંદિર પાસેનો કચરા ડેપો અન્ય સ્થળે ખસેડવા, તાલુકા કક્ષાએ લાયબ્રેરી બનાવવા તેમજ રામનાથ મહાદેવ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ સાથે નગરમાં રમતનુ મેદાન તથા જાહેર શોૈચાલયની સુવિધા બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરાઈ છે.

ગરબાડા નગરની વર્ષો જુની પાણીની સમસ્યાનો આજદિન સુધી નિકાલ આવ્યો નથી. પાણીની પાઈપલાઈન 40 વર્ષ જુની અને જર્જરિત હાલતમાં છે. જેના કારણે પાઈપલાઈન ગટર સાથે મળતા પાણીજન્ય રોગચાળાની દહેશતના પગલે હાલ પાણી આપવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે. જેના કારણે રહિશો ટેન્કર દ્વારા પાણી મંગાવે છે. લોકોને પીવાનુ પાણી વેચાતુ લાવવાનો વારો આવ્યો છે. જે માટેનો વધારાનો ખર્ચ થાય છે. ગામમાં ભુગર્ભ ગટરના કામો અધુરા છે. જુની ગટરો પણ જર્જરિત થઈ ગઈ છે. ગરબાડા તાલુકા મથક હોવા છતાં બસ સ્ટેન્ડના અભાવે ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરોને ઉનાળા અને ચોમાસામાં બસ સ્ટેન્ડ વિના ધણી તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. નગરમાં ગામ તળનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં તો આ રસ્તા પર કાદવ-કિચડનુ સામ્રાજય થઈ જતુ હોવાથી લોકોને ત્યાંથી પસાર થવુ પણ મુશ્કેલ બન્યુ છે. જેથી મહાદેવ મંદિરથી તાલુકા પંચાયત કચેરી સુધીનો નવો રસ્તો બનાવવાની ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. રામનાથ મહાદેવ મંદિર પાસે વર્ષોથી કચરો ઠલવાય છે. જેના કારણે મંદિર પાસે જ ગંદકી જોવા મળે છે. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. તેમજ કચરાને બાળતા તેના ધુમાડાના કારણે મંદિરમાં આવતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી આ કચરાનુ સ્ટેન્ડ અન્ય સ્થળે ખસેડવા તેમજ મંદિરને પર્યટન સ્થળ બનાવવાની માંગ કરાઈ રહી છે. નગરમાં એક લાયબ્રેરી અને શોૈચાલયની સુવિધા બનાવવા તેમજ નગરમાં રમતનુ મેદાન બનાવવાની માંગ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય-કલેકટર તથા ડીડીઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.