ગરબાડાના નઢેલા ગામે વીજ લાઈન ભેગી થતાં તણખાં થી આગ લાગતાં ચાર ધરોનો સામાન બળીને ખાખ થયો

દાહોદ,

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલા ગામે એમ.જી.વી.સી.એલ.ની લાઈન ભેગી થઈ જતાં અને શોર્ટ સર્કિટ થતાં નજીકમાં આવેલ ચાર કાચા મકાનોમાં આગ ફાટી નીકળી હતી. ચાર કાચા મકાનોમાં આગ લાગતાં ઘરનો સંપુર્ણ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખારાના કુવા ફળિયામાં ગતરોજ પવનનો વંટોળ ફુકાતાં ગામમાંથી પસાર થતી એમ.જી.વી.સી.એલ. ની લાઈનના વાયરો ભેગા થઈ ગયાં હતાં અને અચાનક શોર્ટ સર્કિટ થતાં એમ.જી.વી.સી.એલ. ની લાઈન નજીક આવેલ ચાર કાચા મકાનો જેમાં ભાભોર મનેશભાઈ હિમલાભાઈ, ભાભોર હિમલાભાઈ રૂપલાભાઈ, કાળાભાઈ હિમલાભાઈ તેમજ કનેશભાઈ હિમલાભાઈ કાચા મકાનોમાં જોતજોતમાં આગ ફાટી નીકળી હતી. આગમાં ઘરવખરીનો સામાન, રોકડ રકમ તેમજ દાગીના વિગેરે સંપુર્ણ બળીને રાખ થઈ ગયાં હતાં. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું છે. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતા. જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે આ સંબંધે ગામન સરપંચ દ્વારા ગામના બળી ગયેલા મકાનોનો સર્વે કરી યોગ્ય સહાય પુરી પાડવાની જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.