દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે વરસાદી માહૌલ વચ્ચે એક કાચુ મકાન ધરાશાહી થઈ જતાં મકાનના કાટમાળમાં પરિવારના ચાર સભ્યો કાટમાળમાં દબાઈ જવા પામ્યાં હતા. ત્યારે ઘટનાને પગલે દોડી ગયેલ આસપાસના લોકો દ્વારા કાટમાળમાં દબાઈ ગયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને સદ્નસીબેન કોઈ જાનહાની ન થતાં પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
દાહોદ જીલ્લાના ગરબાડા પંથકમાં ગતરોજ મઘ્યરાત્રીથી શરૂં થયેલા વરસાદે ચોમાસાની જમાવટ કરતાં પંથકમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે. જેના પગલે પંથકમાં જુદી જુદી જગ્યાએ વરસાદી પાણીના કારણે નુકસાન પણ પહોંચ્યું છે. ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદથી ગરબાડા તાલુકાના ટુંકીવજું ગામના રોજી ફળિયામાં રહેતાં ગોહિલ વીરસીંગભાઈનું સવારના સમયે કાચુ મકાન ધરાશાહી થયું હતું. જે કાચુ મકાન ઓચિંતું ધરાશાહી થતાં તેમના પરિવારના ચાર સભ્યો કાચા મકાનમાં દટાયા હતાં. જોકે ઘટના સમયે આજુબાજુના સ્થાનીક લોકો દોડી આવ્યાં હતાં અને ઘરના કાટમાળમાં દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ સરપંચ અને તલાટીને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ઘરના કાટમાળમાં દટાયેલા સભ્યોની મુલાકાત કરીને તેઓને વૈકલ્પિક રીતે રહેવા, જમવાની વ્યવસ્થા તાલુકા સભ્યોને ત્યાં કરી આપવામાં આવી હતી અને પંચ કેસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી