નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ તેમની એક વર્ષની સજા પૂરી થવાના ૪ મહિના પહેલા ૨૬ જાન્યુઆરીએ જેલમાંથી બહાર આવી શકે છે. પંજાબમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર જેલમાંથી બહાર મોકલવા માટે તૈયાર કરવામાં આવેલા ૫૧ કેદીઓમાં નવજોત સિંહ સિદ્ધુ પણ સામેલ છે. ૧૯૮૮ના રોડ રેજ કેસમાં તેને ૧ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે, તેના સારા વર્તન અને બાકીની રજાઓને યાનમાં રાખીને, જેલ પ્રશાસન તેને ૮ મહિનામાં મુક્ત કરવાનું વિચારી રહ્યું છે.
સૂત્રોનું કહેવું છે કે જે કેદીઓની મુક્તિ કરવામાં આવી છે તેની યાદી મંત્રી પરિષદની બેઠકમાં રજૂ કરવામાં આવશે.મંત્રી પરિષદની મંજૂરી બાદ આ યાદી રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે. નવજોત સિંહ સિદ્ધુને વિશેષ રાહત આપવાના સવાલ પર જેલ પ્રશાસને કહ્યું કે અમે એવું કંઈ નહીં કરીએ. જેલ પ્રશાસનના એક સૂત્રએ જણાવ્યું કે, ’રાજ્ય સરકાર દ્વારા નવજોત સિદ્ધુને કોઈ ખાસ રાહત આપવામાં આવશે નહીં. કેદીઓને મુક્ત કરવા માટે નિશ્ર્ચિત નિયમો છે. આ યાદીમાં એવા કેદીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે પોતાની સજા પૂરી કરી લીધી છે પરંતુ દંડ ન ભરવાને કારણે હજુ પણ જેલમાં છે. આ સિવાય કેટલાક એવા કેદીઓ છે જેમણે ૬૦ થી ૭૦ ટકા સજા પૂરી કરી છે અને તેમનું વર્તન સારું હોવાનું જાણવા મળ્યું છે.
કેદીઓની મુક્તિ પ્રક્રિયા અંગે એક નિયમ છે કે જેલ પ્રશાસનને મેન્યુઅલ આપવામાં આવે છે. આ અંતર્ગત નક્કી કરવામાં આવે છે કે કયા કેદીઓને મુક્ત કરી શકાય છે. રાજ્ય સરકાર તરફથી કેદીઓની મુક્તિ માટેની નિયત નીતિઓ ઉપરાંત કેન્દ્ર સરકારની પણ એક નીતિ છે. આ અંતર્ગત ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ કેદીઓને મુક્ત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે નવજોત સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી, ૨૦ મેના રોજ નવજોત સિંહ સિદ્ધુએ જિલ્લા અદાલતમાં આત્મસમર્પણ કર્યું અને તેમને પટિયાલાની જેલમાં મોકલવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં નવજોત સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.