ગણપતિ (Lord Ganesh) બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મુંબઈથી કેનેડાના (Canada) ટોરોન્ટો ખાતે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી છે. કલાસાગર આર્ટ્સ દ્વારા નિર્મિત ભગવાન ગણેશની 16 ફૂટ ઊંચી મૂર્તિ ટોરોન્ટો (Toronto) મોકલવામાં આવશે અને ગણેશ ઉત્સવ દરમિયાન ‘કેનેડા ચા રાજા’ તરીકે ઓળખાશે.
‘કેનેડા ચા રાજા’ નામની મૂર્તિ ટોરોન્ટોમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજક, ઈવેન્ટ એજન્સી બ્લુ પીકોક એન્ટરટેઈનમેન્ટને મોકલવામાં આવી રહી છે. તેઓ શહેરના સત્તાવાળાઓની મદદથી આ વર્ષે તહેવારને મોટા પાયે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. કલાસાગર આર્ટસના નિખિલ ખાતુએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે, અમે ગણેશ ભગવાનની મૂર્તિ પેક કરી છે તેને ફ્લેટ ટ્રેક કન્ટેનર દ્વારા કેનેડા મોકલવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 4 ફૂટ કે 6 ફૂટ ઊંચી મૂર્તિઓ વિદેશમાં મોકલવામાં આવતી હતી, પરંતુ આટલી ઊંચી મૂર્તિ વિદેશમાં પહેલીવાર મોકલવામાં આવી રહી છે. તેઓ મૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયમાં નહીં, પરંતુ કૃત્રિમ તળાવમાં કરશે. તેઓ 20×20 ફૂટનું વિશાળ કૃત્રિમ તળાવ બનાવી રહ્યા છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિને વિસર્જન કરવા માટે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પાણીનું મિશ્રણ કરશે.
કેનેડામાં ઘણા હિંદુઓ રહે છે અને લોકો પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરે છે. પરંતુ પ્રથમ વખત ઉજવણી સાર્વજનિક અને મોટા પાયે થશે. પેકેજિંગની વાત કરીએ તો, મૂર્તિને ઘેરવા માટે તમામ છ બાજુઓ પર લાકડાના પાટિયા છે અને તેમાં બાપ્પાને લાકડાના ફ્રેમમાં સુરક્ષિત રાખવા માટે એરબેગ્સ પણ છે. મૂર્તિને પહોંચવામાં ચારથી પાંચ અઠવાડિયા લાગશે.