
- રાજસ્થાનમાં ભીંસ વધતા આશરો લેવા ગુજરાત આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત,
પંજાબી ગાયક મુસેવાલાના મર્ડર કેસ અને સલમાનને ધમકી આપવા સહિતના ગુનામાં સામેલ કુખ્યાત લોરેન્સ બિશ્ર્નોઇ તથા સંપત નહેરા ગેંગના સાગ્રીતોને ઝડપવામાં સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાંસલ થઇ છે. સુરતમાંથી સાત ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનમાં ભીંસ વધતા આશરો લેવા ગુજરાત આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
રાજસ્થાનમાં લોરેન્સ બિશ્ર્નોઇ અને પિલાની ગેંગ વચ્ચે દારૂ અને માદક પદાર્થના ગોરખધંધામાં વર્ચસ્વ સ્થાપવા માટે કાયમી ગેંગવોર સર્જાતું રહે છે. તેવા સમયે બિશ્ર્નોઇ ગેંગના સાત સાગ્રીતો ગુજરાતમાં આશરો લેવા સુરતમાં છુપાયા હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા પીપલોદ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાત ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે બિશ્ર્નોઇ અને નહેરા ગેંગના કેટલાક ગેંગસ્ટરો સુરતમાં છુપાયા હોવાની ચોકક્સ બાતમી મળી હતી. ખાનગીરાહે તપાસ કરાતા સારસ્વત નગરમાં કેટલાક રાજસ્થાની યુવકો રહેવા આવ્યા હોવાનું માલુમ પડયુ હતું જેના પગલે દિલધડક ઓપરેશન હાથ ધરીને સાત ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોમાં દેવેન્દ્રસિંહ શેખાવત, પ્રવિણસિંહ રાઠોડ, કિશનસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ તવર, મોહિત યાદવ, અજયસિંહ ભાટી અને રાકેશ સેનનો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં એવું બહાર આવ્યું હતું કે રાજસ્થાનમાં દારૂની દુકાનોના ટેન્ડર વિવાદમાં નહેરા ગેંગ બિશ્ર્નોઇ ગેંગ પર મોટો હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહી હોવાનું માલુમ પડતા બિશ્ર્નોઇ ગેંગના સાગ્રીતો રાજસ્થાનથી ગુજરાત આવી ગયા હતા. દેવેન્દ્રસિંહ શેખાવત પર અગાઉ પણ બે વખત હુમલા થયા હતા જેને પગલે તે પોતાના સાગ્રીતો સાથે સુરત આવી ગયો હતો અને પોતાના પરિચિત એવા કિશનસિંહ રાઠોડનો સંપર્ક કરીને પીપલોદ વિસ્તારમાં મકાન ભાડે રાખી લીધું હતું પરંતુ પોલીસને બાતમી મળી જતા તમામની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના સુત્રોએ કહ્યું કે સુરતમાં આવી ગયા હોવા છતાં આ ગેંગસ્ટરોએ શહેરમાં કોઇ ગુનાહિત પ્રવૃતિ કરી નથી અને તેઓ પોતાની સલામતી માટે જ સુરત આવ્યા હતા. સુરતમાં ગેંગવોરની ઘટના બને તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર થવાની શકયતાને યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચને ઝડપેલી ટોળકીમાંનો પ્રવિણસિંહ રાઠોડ પૂર્વ પોલીસ કર્મચારી છે. ૨૦૦૧માં રાજસ્થાન પોલીસમાં ભરતી થયો હતો. ગેંગસ્ટરને જાપ્તામાંથી ભગાડવાના ગુનામાં તેની ધરપકડ થઇ હતી અને પોલીસમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો હતો.