ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની પૂછપરછ કર્યા બાદ એનઆઇએના વિવિધ રાજ્યોમાં ૨૦ જગ્યાએ દરોડા

  • બિશ્ર્નોઈને પંજાબનો ખતરનાક ગેંગસ્ટર માનવામાં આવે છે. બિશ્ર્નોઈ ઘણી વખત જેલ જઈ ચુક્યો છે

નવીદિલ્હી,

ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ સાથે સંબંધિત અનેક સ્થળો ઉપર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ ) દ્વારા આજે મંગળવારે દરોડા પાડવામાં આવ્યા છે. રાજધાની દિલ્લી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં લોરેન્સ બિશ્ર્નોઈની નજીકના સાથીદારોના સ્થળો પર એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે લોરેન્સ બિશ્ર્નોઈને તાજેતરમાં જ પંજાબની જેલમાંથી દિલ્લી ખાતે એનઆઇએ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની પૂછપરછ બાદ આજે વિવિધ રાજ્યોમાં એનઆઇએ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોરેન્સને દિલ્લી લાવ્યા બાદ એનઆઇએએ લગભગ ૫ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બિશ્ર્વોઈ સાથે સંકળાયેલાને ત્યાં લગભગ ૨૦ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે.

આ પહેલા પંજાબના રૂપનગર જિલ્લામાં લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના ચાર સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, એક મેગેઝિન અને ૨૨ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે ધરપકડ અંગે આ માહિતી આપી હતી. રૂપનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિવેક શીલ સોનીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો પાસેથી ત્રણ પિસ્તોલ અને ૨૨ કારતૂસ મળી આવ્યા છે.

પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને, પોલીસ અધિક્ષક (ડિટેક્ટીવ) માનવવિંદરબીર સિંહની આગેવાની હેઠળની ટીમે શનિવારે કુલદીપ સિંહ કારી, કુલવિંદર સિંહ ટિંકા, સતવીર સિંહ શમ્મી અને બિઅંત સિંહની ધરપકડ કરી હતી. એસએસપીએ કહ્યું કે ચારેય આરોપી બિશ્ર્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું હતું કે ગયા મહિને લુધિયાણામાં કારી, ટિંકા અને શમ્મી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો.

એસએસપી સોનીએ આ ધરપકડ પર કહ્યું કે કારી, ટિંકા અને શમ્મી પર લુધિયાણાના કુમ કલાન પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને આર્મ્સ એક્ટ હેઠળ પહેલાથી જ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં તેઓએ એક વ્યક્તિને ગોળી મારી હતી. તેણે વધુમાં કહ્યું કે ધરપકડ કરાયેલા તમામ લોકો લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ સામે મોરિંડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેવા અને સલમાન ખાનના જીવને ખતરો આપવાના કારણે સમાચારોમાં છે. બિશ્ર્નોઈને પંજાબનો ખતરનાક ગેંગસ્ટર માનવામાં આવે છે. બિશ્ર્નોઈ ઘણી વખત જેલ જઈ ચુક્યો છે. કહેવાય છે કે બિશ્ર્નોઈ પાસે લગભગ ૭૦૦ શાર્પ શૂટર્સ છે.