ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની ધમકી બાબતે સલમાને મૌન તોડ્યું:દબંગ ખાને કહ્યું કે, ’હું આખા દેશનો ભાઈ નથી, ઘણા લોકોનો જીવ પણ છું’

મુંબઇ,સલમાન ખાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાઈજાને પહેલીવાર આ મામલે મૌન તોડ્યું હતું. ભલે તેણે સીધું કંઈ ન કહ્યું, પરંતુ તેના જવાબથી ચાહકો પ્રભાવિત થયા છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ’સલમાન સાહેબ, તમે આખા ભારતના ભાઈજાન છો. આ સ્થિતિમાં, તમને મળેલી ધમકીઓને તમે કેવી રીતે જોશો?

જવાબમાં સલમાને હસીને કહ્યું કે, ’આખા ભારતના ભાઈજાન નથી, કોઈની જાન પણ છીએ’. આપણે ઘણા લોકોના જીવ છીએ. ભાઈજાન એ લોકો માટે છે જેઓ ભાઈઓ છે અને તે લોકો જેમને અમે બહેન બનવા માગીએ છીએ. સલમાનનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર દર્શકો જોરથી હસી પડ્યા. ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તેમના આ જવાબ પર લોકો રિએક્શન પણ આપી રહ્યા છે.

સલમાન લાંબા સમયથી ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્ર્નોઈના નિશાના પર છે. લગભગ એક મહિના પહેલાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાન ખાનને જેટમાં બેસીને ધમકી આપી હતી. ટીવી ચેનલ એબીપીને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સે કહ્યું હતું કે, ’જો સલમાન બિશ્ર્નોઈ સમુદાયની માફી નહીં માંગે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો’.

સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના ગુનેગાર લોરેન્સ બિશ્ર્નોઈનું કહેવું છે કે, સલમાને કાળિયારનો શિકાર કરીને તેના બિશ્ર્નોઈ સમુદાયનું અપમાન કર્યું છે. સલમાન વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ઘટના માટે ક્યારેય માફી માગી ન હતી.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સે કહ્યું હતું કે, જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને શિકાર કરતી વખતે બિશ્ર્નોઈ સમુદાયમાં પૂજવામાં આવતા કાળિયારને મારી નાખ્યો હતો અને ત્યારથી તે લોકો સલમાન ઉપર ગુસ્સે હતાં.ઈન્ટરવ્યુમાં લોરેન્સે કહ્યું હતું કે, ’અમે ઈચ્છીએ છીએ કે સલમાન રાજસ્થાનમાં અમારી સોસાયટીના મંદિર જંભેશ્ર્વરજીની સામે માફી માગે. જો સમાજના લોકો તેને માફ કરે તો મને કોઈ વાંધો નથી.’