સુરતમાં ગણેશ ઉત્સવને લઈને સુરત શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલા નિયમોથી મૂર્તિકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામામાં માટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા અને બનાવવાની મંજૂરી અપાઈ છે. જે બાદમાં હવે મહિધરપુરા પોલીસે 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનારા મૂર્તિકારોની કામગીરી બંધ કરાવી છે. આ તરફ મૂર્તિકારોએ શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના ઘરે વિરોધ કર્યો છે.
શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ હવે સુરતમાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારોને લઈ ઉજવણીના માહોલ વચ્ચે સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. સુરતમાં પોલીસ કમિશ્નરના જાહેરનામામાં માટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા અને બનાવવાની મંજૂરી અપાઈ છે. જેને લઈ સુરતમાં મૂર્તિકારોની મુશ્કેલીમાં વધારો થયો હોય તેઓએ શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાને ભારે વિરોધ દર્શાવી રજૂઆત કરી હતી. આ તરફ મહિધરપુરા પોલીસે 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનારા મૂર્તિકારોની કામગીરી બંધ કરાવી છે.
સુરત CPના જાહેરનામામાં શું છે ઉલ્લેખ?
- ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ
- તમામ માટી તથા POPની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે
- ગણેશજીની POPની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ
- ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ
- કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ
- ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર પ્રતિબંધ
- ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર પ્રતિબંધ
- પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ