મહારાષ્ટ્રના અકોલામાં ગણેશ વિસર્જન પર પથ્થરમારો, 68 લોકોની અટકાયત, પોલીસકર્મી પણ ઘાયલ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના અકોટ શહેરમાં ગણપતિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. નંદીપેઠ વિસ્તારમાં ધાર્મિક સ્થળ નજીકથી પસાર થતી ગણપતિ શોભાયાત્રા પર અન્ય સમુદાય દ્વારા 5 મિનિટ સુધી પથ્થરમારો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે.

આ ઘટના બાદ થોડા સમય માટે સરઘસ રોકી દેવામાં આવ્યું હતું અને બંને કોમો સામસામે આવી ગયાના અહેવાલો પણ છે. જોકે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અકોલા એસીપી અનમોલ મિત્તલે કહૃાું કે થોડા સમય માટે પથ્થરમારો થયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તણાવને શાંત કર્યો અને સરઘસ ફરી શરૂ કરાવ્યું અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી હતી પરંતુ સ્થિતિને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 68 લોકોની અટકાયત કરવામાં આવી છે, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહૃાું છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સાંજે 4 વાગ્યે અકોટ શહેરના નંદીપેઠ વિસ્તારમાં બની હતી, જેના પગલે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના દળોને બોલાવવા પડ્યા હતા. પોલીસે પથ્થરમારો કરવાના આરોપમાં 68 લોકોની અટકાયત કરી છે અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલ લોકોને ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.