ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો, ૨ લાખ બાઇક સાથે રેલી યોજાશે

જુનાગઢમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં અનુ.જાતિ સમાજનું મોટી મોણપરીમાં સંમેલન યોજાયુ છે. તેમાં ૧૫મી ઓગસ્ટે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી, ગવર્નર અને કમલમમાં આવેદનપત્ર અપાશે. જેમાં જયરાજસિંહ જાડેજાની ધરપકડની માંગણી તથા ગીતા બા જાડેજાના રાજીનામાની માગણી તથા ગણેશ જાડેજા સામે ગુજશીટોક હેઠળ ધરપકડની માગણી કરવામાં આવી છે.

બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપવામાં આવી છે. જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, નિવસ્ત્ર્ર કરીને મોબાઇલમાં વીડીયો ઉતારી મારી નાખવાની કોશિષ કરવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચકચારી બન્યો છે, ત્યારે આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા ૪૦ દિવસથી પ્રયાસો કરી રહ્યો છે. છતાં આજદિન સુધી તેમને સંતોષકારક ન્યાય નથી મળતા વિસાવદરના મોટી મોણપરી ગામમાં યોજાયેલ દલિત સમાજના સંમેલનમાં સરકારને ૪૦ દિવસનું અલ્ટિમેટમ આપીને તેમની માંગણી પૂરી કરવા અન્યથા રેલી યોજીને ગાંધીનગર કુચ કરવાની ચિમકી આપવામાં આવી છે.

જુનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ આ તકે કહ્યું હતું કે, તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી, પરંતુ દલિત સમાજના દરેક દીકરા માટેની છે. સંજય સોલંકીના કેસમાં ગણેશ ટોળકી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવે, કેસમાં ૧૨૦ બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે, તેમજ આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણુક કરીને કેસને ફસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ છે. જો તેમની માંગણી નહી સંતોષાય તો તા.૧૦ ના રોજ તેમનો સોલંકી પરિવારના ૧૫૦ સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશું.

આ સંમેલન પૂર્વે ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર બપોરે જૂનાગઢ આવી પહોંચ્યા હતા, અહી તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા, બાદમાં બપોરે ૩ કલાકે જુનાગઢ મધુરમ ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ત્યાંથી રેલીનું મોટી મોણપરી જવા પ્રસ્થાન થયું હતું. રેલી મેંદરડા થઈને વિસાવદરથી મોટી મોણપરી પહોંચી હતી, ત્યાં સાંજે ૭.૩૦ કલાકે સભા સ્થળે રેલી પહોંચી હતી. મોટી મોણપરી મુકામે સમાજના દરેક આગેવાનો, કાર્યકરો, ભીમસેનાનાના યુવાનો, ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં દરેક આગેવાનોએ એકપછી એક સમાજને સંબોધન કરીને દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અંગેની વાત કરી હતી.