દાહોદ,ગાંધીનગર જીલ્લા સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવો બનવા પામ્યા હતા એમાં આ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર બે ઇસમો મળી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર મળી ત્રણને દાહોદ એલસીબી પોલીસે દાહોદ જીલ્લાના જેસાવાડા રોડ તરફથી મળેલ બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા 1,49,040/- નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે જેસાવાડા આશ્રમ રોડ તરફ સહકારી મંડળી પાસે એક શંકાસ્પદ ઈસમ ઉભો છે અને તેની પાસે સોના ચાંદીના દાગીના છે અને તે દાગીનાઓ વેચવા માટે બજારમાં આવ્યો છે. જે અંગેની બાકી દાહોદ એલસીબી પોલીસને મળતાની સાથે જ પોલીસે સ્થળ પર જઈ તેની પૂછપરછ કરી હતી. ત્યારે તે દરમિયાન ઈસમ ભાગવાની કોશિષ કરતા પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તેને ભાગવાનું કારણ પૂછતા પોલીસને કોઈ સંતોષ કારક જવાબ મળ્યો ન હતો. જેથી દાહોદ એલસીબી પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી સઘન પૂછપરછ કરતા તેને પોતાનું નામ વિપુલભાઈ રૂપસિંહભાઇ મેડા (રહે. નઢેલાવ કાંગણ ફળિયા, તા.ગરબાડા, જી. દાહોદ) જણાવ્યું હતું અને તેને અને તેના સાગરિતોએ મળી ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેના સાગરીત સુક્રમભાઈ બાલુભાઈ મેડા (રહે. નઢેલાવ કાંગણી ફળિયા, તા.ગરબાડા, જી. દાહોદ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઉપરોક્ત ઇસમો પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા 1,49,040/- નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.