ગાંધીનગરના યુવાને પ્રેમિકાના મોટા પપ્પાનાં કડવા વહેંણ સાંભળી કેનાલમાં મોતની છલાંગ લગાવી

ગાંધીનગર, ગાંધીનગરના યુવાને પ્રેમિકાના મોટા પપ્પાનાં કડવા વહેંણ સાંભળી કેનાલમાં મોતની છલાંગ લગાવી પ્રેમ સંબંધોનો અંત લાવી દીધો છે. આ મામલે યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટનાં આધારે ડભોડા પોલીસે પ્રેમિકાના પિતા વિરુદ્ધમાં દુષ્પ્રેરણ – જાતિ વિષયક પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદના કઠવાડા આમ્રપણ આવાસ યોજના મકાન નંબર સી/૭૦૩ માં રહેતાં મૂળ ગાંધીનગરના મેદરા ગામના વતની પંકજ મૂકેશભાઈ જાદવના ત્રણ ભાઈ બહેનો પૈકીનો ૨૪ વર્ષીય ભાઈ ધવલને ગામના રાકેશ સી. પટેલની દીકરી ક્રિશ્ર્ના (કીશુ) સાથે પ્રેમ સંબંધો હતા. જેનાં કારણે ધવલ મેદરા ગામમાં આવી ગયો હતો. જેથી ગત તા. ૨૧ મી મેના રોજ પંકજ, કુટુંબી કાકા અનિલભાઈ, બનેવી કિશનભાઈ સહિતના મેદરા ગામમાં ધવલને સમજાવવા માટે ભેગા થયા હતા.

આ દરમિયાન ધવલે જણાવેલ કે પોતે કઠવાડા ખાતે જવા માગે છે. આથી તેને એકલો નહીં મોકલતા બનેવી કિશનભાઇ પોતાનું એકટીવા લઇ તેની સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. જેની પાંચેક મિનિટમાં કિશનભાઈએ સાળા પંકજને ફોન કરીને કહ્યું હતું કે, ધવલે ચાલુ એકટીવાએ નીચે ઉતરી કેનાલમાં પડતું મુક્યું છે. જેથી પરિવારજનો કેનાલ પર દોડી ગયા હતા અને બહિયલના તરવૈયાની ટીમને તાત્કાલિક બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી.

દોઢેક કલાક પછી ધવલની લાશ બહાર કાઢી હતી. એ વખતે વલાદ આઉટ પોસ્ટનાં એ.એસ.આઈ જયેન્દ્રભાઇએ ધવલ ની અંગ ઝડતી લેતા સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ધવલે ઉપરના ભાગે ઇંગ્લીશમાં કિશુ  ધવલ ગુજરાતીમાં મેરેજ લખેલ હતુ. અને નીચેના ભાગે માતાજીની માનતાનું આગળ પાછળ ૨૮ બાધાઓ અને કિશુને સંબોધીને વિગતો લખેલી હતી.