ગાંધીનગરના ગિફટ સીટીમાં ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીના ભારતીય કેમ્પસ શરૂ

ગુજરાતમાં ગાંધીનગરના ગિફટસીટીમાં ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીના ભારતીય કેમ્પસની ઔપચારીક શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસ્ટન કલેયરે કેમ્પસની મુલાકાત લીધી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર જોર દેતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ (એનઈપી)- 2020ના અનુરૂપ ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ગિફટ સીટીમાં પોતપોતાના આંતરરાષ્ટ્રીય પરિસર સ્થાપિત કરી રહી છે.

આ કેમ્પસમાં જુલાઈ 2024થી ભણતર શરૂ થશે. ડીકીન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, ભારતીય કેમ્પસમાં માસ્ટર ઓફ સાઈબર સિકયોરીટી (પ્રોફેશનલ) અને માસ્ટર ઓફ બિઝનેસ એનાલિટીકસ કોર્સથી શરૂઆત થશે.

ઓસ્ટ્રેલિયામાં ભણતરનું જ સ્તર છે, તેને ભારતીય કેમ્પસમાં યથાવત રાખવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભારત અને બીજા દેશોની જાણીતી સંસ્થાઓ સાથે ભાગીદારી થઈ રહી છે.

ભારતીય છાત્રોને વિશ્વસ્તરનું શિક્ષણ અને રિસર્ચની તકો મળશે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, બન્ને શિક્ષણના મહત્વને સમજે છે. ડીકીન યુનિવર્સિટી વીસીએ કહ્યું હતું કે વાર્ષિક ફી લગભગ 10 લાખ રૂપિયા સુધી રહેશે.