ગાંધીનગર, ગુજરાતની અંદર હાર્ટ એટેકના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવતા હોય છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે અને રોજ-બરોજ કોઈને કોઈ વ્યક્તિનું હાર્ટ એટેકમાં મોત થયું હોવાનું સામે આવતું હોય છે.ત્યારે આવા જ હાર્ટ એટેકનો મામલો ગતરોજ ગાંધીનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં નાયબ મામલતદારને ફરજ દરમિયાન જ હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મામલતદાર કચેરીમાં નાયં મામલતદાર તરીકે ફરજ બજાવતા ૪૨ વર્ષીય મનીષ કડિયા પોતાના નિત્યક્રમ મુજબ જ ઓફિસ આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચૂંટણીને લગતી કામગીરી કરી રહ્યા હતા. ત્યારે જ બપોરના સમયે અચાનક તેમને છાતીમાં દુખાવો શરૂ થઇ રહ્યો હતો. જેના બાદ તેમને ૧૦૮ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર મળે એ પહેલા જ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આમ અચાનક નાયબ મામલતદારનું મોત થવાના કારણે કચેરીમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે જ પરિવારને તેમના મોત અંગે જાણ કરવામાં આવતા પરિવાર પણ દોડી આવ્યો હતો અને તેમના આક્રંદથી વાતવરણ પણ ગમગીન બની ગયું હતું. એવી પણ માહિતી સામે આવી રહી છે કે મનીષ કડિયાના પત્નીનું બે વર્ષ પહેલા જ કોરોનકાળમાં અવસાન થયું હતું. તેમને સંતાનોમાં એક ૧૭ વર્ષનો દીકરો અને ૧૩ વર્ષની દીકરી છે. માતા બાદ હવે પિતાના પણ અકાળે નિધન થવાના કારણે બંને બાળકો નોધારા બન્યા છે. પરિવારમાં હવે એક વૃદ્ધ માતા છે, જેમના માથે હવે બંને બાળકોની જવાબદારી આવી ગઈ છે. મનીષ કડિયાનો દીકરો ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, જયારે તેમની દીકરી ધોરણ ૮માં અભ્યાસ કરી રહી છે. આટલી નાની ઉંમરમાં બાળકોએ પહેલા માતાને ખોઈ અને હવે પિતાને પણ ખોઈ ચુક્યા છે.