ગાંધીનગર મેયરની નિમણૂકનો મામલો ડખે ચડ્યો, હવે ૧૮ જૂને ચૂંટણી યોજાશે

મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી ૧૮ જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે. ગાંધીનગરના સ્થાનિક નેતાઓએ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણીને લઈને ઉતાવળ કરી દીધી હોવાનું બહાર આવ્યું છે.

ભાજપનું મોવડી મંડળ કેન્દ્રીય મંત્રીમંડળની રચનામાં વ્યસ્ત હોવાથી ગાંધીનગરના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂકમાં સમય લાગશે. જેના કારણે એક સપ્તાહ આ નિમણૂક પાછળ ઠેલાઇ છે.

મતદાનથી મતગણતરી સુધીના ૨૭ દિવસમાં ગમે ત્યારે સામાન્ય સભા બોલાવી શકાય. જે તે સમયે ચૂંટણી પંચની મંજૂરી લેવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી, પરંતુ સ્થાનિક નેતાઓને અંગત દાવ પેચ અને આંતરિક પોલિટીક્સના કારણે ૧૦મી જૂનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ઉતાવળે બોલાવાયેલી સંકલન સમિતિના કારણે કંઈક કાચું કપાઈ ગયું હોવાનું લાગતા આખરે પ્રદેશ નિરીક્ષકોની સેન્સ લેવા માટે સમય નક્કી કરાયો છે.

જણાવી દઈએ કે, પદાધિકારીઓની નિમણૂકનો મુદ્દો દિલ્હીમાં અમિત શાહના માર્ગદર્શનમાં ચર્ચા કરવાનો હોવાથી ગત શનિવારની રાત્રે આ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળની રચનાને લઈને પાછી ઠેલવામાં આવી છે. હવે વિસ્તૃત ચર્ચા બાદ પદાધિકારીઓના નામ કરવા નક્કી કરવામાં આવશે.

અહીં નોંધવું જરૂરી છે કે ત્રણ પદાધિકારીઓના નામની પેનલ બનાવવાના બદલે સિંગલ નામ મોકલવામા આવ્યા હતા. પરિણામે મામલો ગૂંચવાયો છે. ઉલ્લેખનીય છે કે એક ટર્મ છોડીને એક ટર્મ મહિલા માટે અનામત હોય છે એ અનુસાર આ વખતે મહિલા મેયર માટે સીટ અનામત છે. ગાંધીનગર લોક્સભા સીટ પર એ જ મહિલા મેયર બનશે જે અમિત શાહની ગુડ બુકમાં હશે, કારણકે આ વિસ્તાર તેમની લોક્સભા સીટનો છે.