આદિવાસી સમાજનાં બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બીરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને ABVPએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન આપવાના કારણે 60 હજાર વિદ્યાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓ અને ABVPએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓ અને ABVPએ અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃતિ આપવા માટેની રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે. સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત્ રાખે છે તે જોવું રહ્યું!
ABVPના પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના જનજાતિ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમણે કોલેજોમાં એડમિશન લઈ લીધું છે. તેમના વાલીઓને એવું હતું કે, વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે. હવે બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓની ફી અને તેમને લીધેલું એડિમિશન હવે મેનેજમેન્ટ કોટામાં ગણાશે. તેમની ફી સરકાર નહીં ભરે. આ મામલે વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું. મંત્રીને રજૂઆત કરી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે ABVP દ્વારા અહીં મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ તો હજુ ટ્રેલર છે, સાંજ પડતાં પડતાં પિક્ચર હજુ બાકી છે. તો પરિસરમાં બેઠેલા અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી કે પરિપત્ર રદ કરો.