ગાંધીનગરમાં વિધાનસભા પાસે યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

ગાંધીનગર, ગાંધીનગરમાં વિધાનસભાના ગેટ પાસે એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવાન ગાંધીનગરના સરદારભવન ખાતે બહાર એક ઝાડ પર ચઢી ગયો હતો. યુવક ઝાડ પર થેલો લઈને ચઢ્યો હતો. ઝાડ પર ચઢીને ગળે ફાંસો લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દરમ્યાન લોકોનું ધ્યાન જતાં પોલીસને જાણ કરી. પોલીસ અને ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા યુવકને સલામત રીતે નીચે ઉતાર્યો.

વિધાનસભાના ગેટ પાસે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને સલામત રીતે નીચે ઉતાર્યા બાદ કલેકટર કચેરી રજુઆત કરવા માટે લઇ જવાયો. યુવક થેલો લઈને ઝાડ પર ચઢ્યો હોવાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંભવત તે કયાંકથી દૂરથી મુસાફરી કરીને આવ્યો હશે. કલેકટર કચેરી લઈ જવાયેલ યુવકની પ્રાથમિક પૂછપરછ કરાતા તેણે જણાવ્યું કે કોઈ તેની સમસ્યા સાંભળતું ના હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું. હાલમાં પોલીસે યુવકની સમસ્યા અને આત્મહત્યાના કારણોની વિગતો મામલે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે યુવાનો અને બાળકો હવે પોતાની વાત મનાવવા આત્મહત્યા જેવા પગલા લેવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયમાં આત્મહત્યાના બનાવો વયા છે. પિતા, પુત્ર, માતા, પુત્રી, વિદ્યાર્થી, નોકરીયાત કે પછી પરીવારના સામૂહિક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકોમાં સહનશક્તિ ઘટી છે અથવા તો પછી લોકોની અપેક્ષાઓ વધી છે. આત્મહત્યા પાછળ સૌથી મોટું કારણ આથક સમસ્યા માનવામાં આવે છે. તેમજ યુવક-યુવતીઓમાં પ્રેમમાં દગો અને વિદ્યાર્થીઓમાં નાપાસ થવાના ડરે પણ આત્મહત્યા જેવા અંતિમ પગલા લેતા હોવાના મહત્વના કારણો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં યુવકે વિધાનસભા પાસે જ આત્મહત્યાનો પ્રયાસ કરતા અનેક સવાલો ઉદ્ભવ્યા છે. શું આ યુવકને સરકાર કે પછી સરકારી અધિકારી સામે કોઈ જૂના પ્રશ્ર્નો છે અથવા તો પછી પારિવારિક વિવાદને પગલે આ પગલું લીધું હશે. જો કે પોલીસ તપાસમાં સમગ્ર હકીક્ત સામે આવશે. હાલમાં પોલીસ યુવકની પૂછપરછ કરતાં આ મામલાની તપાસ હાથ ધરી છે.