ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રારે જ સરકારી જમીન બારોબાર વેચી નાખી!

ગાંધીનગરમાં ગામેગામ વેચાવવાની ફરિયાદ તો જારી છે ત્યાં હવે સબ રજિસ્ટ્રારે સરકારી જમીન બારોબાર વેચી દેવાની ફરિયાદ નોંધાઈ છે. પીરોજપુરની જમીન બારોબાર વેચાયાનો ગુનો નોંધાયો છે. સરકાર સાથે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે. સબ રજિસ્ટ્રારે ૨,૭૩૪ મીટર જમીન બારોબાર વેચી દીધી હતી. ગુનો નોંધાતા આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે.

ગાંધીનગર જિલ્લામાં જૂના પહાડિયા ગામને બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાની વાત ચાલુ જ છે ત્યાં હવે આ જ રીતે બીજું ગામ વેચાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે હવે ગ્રામજનોએ તંત્રને વાંધાજી આપતા આગામી દિવસમાં તેની મુદત રાખવામાં આવી છે.

દહેગામ સબ રજીસ્ટર કચેરીમાં ગત એપ્રિલ મહિનામાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા આ જમીન ખરીદવામાં આવી હતી અને દોઢ વીઘા જગ્યા પેટે ૪.૯૦ લાખ રૂપિયા ચેક મારફતે વારસદારોને ચૂકવવામાં આવ્યા હતા. જોકે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી.

બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાથી તકરારી દાખલ કરાવવામાં આવી છે અને તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.

દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈ હાલ પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનો કિસ્સો બહાર આવવા પામ્યો છે.

દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા ૫૦ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું અને ધીરે ધીરે અહીં હાલ ૩૫ જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર અને તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ આપવામાં આવી રહી છે ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની ૧.૫ વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.