
ગાંધીનગરમાં એક બંગલાના રસોડામાં ભીષણ આગ લાગી. આ આગ દુર્ઘટનામાં આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાયો જયારે પરિવારનું રેસ્કયુ કરી બચાવ કરાયો. રાજ્યની રાજધાની ગાંધીનગરના ભાટ વિસ્તારનો આ બનાવ છે. જ્યાં બંગલાના રસોડાની આગ ઉપરના માળ સુધી પંહોચતા યુવાન બહાર નીકળવાનો પ્રયાસ કરવા છતાં બચી શકયો નહી અને આગમાં ભડથું થયો. ફાયરબ્રિગેડની ટીમે નીચેના માળ પરથી પરિવારનો સભ્યોનો બચાવ કર્યો.
ઘટનાની વિગત મુજબ ભાટ વિસ્તારમાં એક બંગલાના રસોડામાં ભીષણ આગ લાગી. જેના પર પરિવારનો લોકોએ કાબૂ મેળવવા પ્રયાસ કર્યો છતાં આગ ઉપરના માળ સુધી પંહોચી ગઈ. આ બંગલોના માલિકનું નામ વેદપ્રકાશ દલવાણી છે તેઓ તેમના પત્ની બીનાબેન, પુત્રી આયુષિ અને પુત્ર આદિત્ય સાથે રહે છે. વેદપ્રકાશ પત્ની બીનાબેન નિત્ય ક્રમ મુજબ રસોડામાં કામ કરતા હતા. ત્યારે અચાનક રસોડામાં આગ લાગવાની ઘટના બની.

ઘટના સમયે બંગલામાં નીચેના માળ પર વેદપ્રકાશ તેમની પત્ની અને પુત્રી હતા જ્યારે આદિત્ય ઉપરના માળ પર હતો. નીચેના માળ પર હાજર પરિવારના સભ્યોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો પરંતુ લાકડાનું ફનચર્ર અને પીઓપીના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું. અને આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ. વેદપ્રકાશનો પુત્ર આદિત્ય ઉપરના માળ પર હતો તેને બચાવવા તે લોકોએ બહુ બૂમો પાડી. પરંતુ વિકરાળ આગના કારણે આદિત્ય નીચે આવી શકયો નહી અને પરિવાર ઉપર ના જઈ શકયો અને એક આશાસ્પદ યુવાન આગમાં ભડથું થઈ ગયો.
માતા-પિતા માટે આ વધુ દુ:ખદાયક ક્ષણ છે કે તેમના પ્રયાસ છતાં તેઓ તેમના પુત્રને બચાવી શકયા નહી. તેમના પાડોશમાં રહેતા કોઈ શખ્સ દ્વારા ફાયરબ્રિગેડને આગ દુર્ઘટનાની જાણ કરાઈ. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પંહોચી આગ કાબૂમાં લીધી. ફાયરબ્રિગેડના અધિકારીએ ઉપલા માળેથી આદિત્યના રૂમની બાલ્કની લોખંડના ગર્ડરથી કાપી આગમાં ભડથું થયેલ તેની લાશને બહાર કાઢી. આ ઘટનાને લઈને પોલીસ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે હાલમાં આગના સામે આવેલ કારણોમાં રસોડામાં ગેસને ઠંડો કરવા તેના પર પાણી નાખતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે એફએસએલની મદદ લઈ વધુ તથ્યોની તપાસ કરાશે તેમ અધિકારીએ જણાવ્યું.