ગાંધીનગરમાં કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટોએ ગુમાવ્યા ૧ કરોડ: દિલ્હીથી આવ્યા હતા ’કબૂતરબાજોના બાપ’

ગાંધીનગર,

આજના સમયમાં લોકો વિદેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તો વિદેશ જવાના મોહમાં અવારનવાર છેતરપિંડીના બનાવો પણ સામે આવતા હોય છે. અત્યાર સુધીમાં આવા ઘણા બનાવો બની ચૂક્યા છે. ત્યારે હવે ખુદ એજન્ટો જ કબુતરબાજોની ચાલમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઈન્ફોસિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કુડાસણમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતાં રમેશભાઈ ચૌધરીનો તેમના મિત્ર રાજુભાઈ થકી મહેસાણામાં વિઝાનું કામ કરતા ગોવિંદભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. જે બાદ ગોવિંદભાઈએ રમેશભાઈ ચૌધરીને થોડું રોકાણ કરીને અમેરિકન વિઝાનું પરમેનન્ટ સેટિંગ ગોઠવી લેવા જણાવ્યું હતું, આ માટે તેમણે દિલ્હીના એક એજન્ટનો સંપર્ક પણ કરાવ્યો હતો. જે બાદ કમિશનની લાલચ જાગતા રમેશભાઈએ દિલ્હીના એજન્ટ સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું.

જે બાદ રમેશભાઈ, ગોવિંદભાઈ પટેલ અને દિવ્ય પંચાલ નામના એજન્ટો દિલ્હી ગયા હતા. જે બાદ ત્રણેયે દિલ્હીના જાસ બાજવા નામના એજન્ટ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દિલ્હીના એજન્ટે ગાંધીનગરના ત્રણેય એજન્ટને રોકડા રૂપિયા બતાવવા કહ્યું હતું. જે બાદ તેઓ દિલ્હીથી પરત આવી ગયા હતા અને રોકડા રૂપિયા બતાવવા તૈયાર થઈ ગયા હતા. જેથી જાસ બાજવાના બે માણસો મહેસાણા પહોંચ્યા હતા.

આ તમામે ભાયજીપુરા પાટિયા નજીક આવેલી એક હોટલમાં બેઠક કરી હતી. જેમાં દિલ્હીના કબૂતરબાજોએ આ એજન્ટોને રૂપિયા બતાવવાનું કહ્યું હતું. જેથી ગાંધીનગરના એજન્ટો એક કરોડ રોકડા લઈને ઉપરોક્ત હોટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દિલ્હીથી આવેલાને રોકડા રૂપિયા બતાવ્યા હતા. બાદમાં દિલ્હીના માણસોની સામે રૂમમાં રૂપિયા ગણીને કબાટમાં મૂક્યા હતા અને રાત્રીના બધા જમીને સૂઇ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યારે કબાટમાં પૈસા કે દિલ્હીના એજન્ટો દેખાયા નહતા.

આમ ગાંધીનગરના એજન્ટોએ કમિશનની લાલચમાં એક કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. હાલ રમેશભાઈએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દિલ્હીના જાસ બાજવા સહિત ૫ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.