ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ ૨૦૨૩માં ૩૨ ઔદ્યોગિક ભરતી મેળા યોજીને ૪૧૮૭ ઉમેદવારોને અપાઈ રોજગારી

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩૨ ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૮૫ નોકરીદાતા દ્વારા ૪૧૮૭ જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૫૨૨, કલોલ તાલુકાના ૧૦૭૬, ગાંધીનગર તાલુકાના ૨૩૨૭ અને માણસા તાલુકાના ૨૬૨ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ખાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ ક્લસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.