ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે.

ખાસ કરીને બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં ગિફ્ટ સિટીના વિકાસ વિશે જાહેરાત કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ’ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. ૯૦૦ એકરથી ૩૩૦૦ એકરમાં લંબાવીને ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિક્સાવવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે “વોક ટુ વર્ક” “લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી” વિક્સાવવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે ઓળખ મળશે.સાથે જ ગિફ્ટ સિટી ખાતે ’ફિન-ટેક હબ’ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા ૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ ૩૮.૨ કિલોમીટર સુધીની થશે.

આ પ્રોજેકટના ફેઝ-૧ માં ૧૧.૨ કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-૨ માં ૫.૫ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે ૫ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિક્સાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-૪ અને ફેઝ-૫ અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઇ ૩૮.૨ કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.