ગાંધીનગર, રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં એસપી કચેરી પાસે અચાનક ગાય સામે આવતા તેને બચવા માટે ટુવ્હીલર ચાલક ૨૬ વર્ષીય નિહાલ શાહે એક્ટિવાને બ્રેક મારી હતી. તે સાથે જ તે નીચે પડી ગયો હતો. જેમા તેનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલી માતાને પણ ઇજા પહોંચી હતી. જે બાદ તેની માતાએ મૃતક સામે જ ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, આ ગોઝારો અકસ્માત ગુરુવારે થયો હતો. જ્યારે નિહાલ અને તેના માતા મંજુલા શાહ (૫૨) સેક્ટર ૨૪ તરફ ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગાંધીનગરમાં એસપી ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે એક ગાય રસ્તા પર અચાનક આવી ગઇ હતી. જેના કારણે યુવાને બ્રેક મારી હતી. બ્રેક મારતાની સાથે જ યુવાન વાહન પરથી કાબૂ ગુમાવીને સ્લિપ થઇ ગયો હતો. તેના કારણે તે તેમજ તેના માતા રસ્તા પર પટકાયા હતા. જે બાદ તે બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, યુવાનને માથા પર ગંભીર ઇજા વધારે હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાં તેણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.જે બાદ તેની માતાએ સેક્ટર ૨૧માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ માટે તેમણે પોતાના દીકરાને જ જવાબદાર ગણાવ્યો હતો. માતાએ પુત્રના જ બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે ઘટના બની હોવાનું કહ્યું હતું. જેના કારણે, સેક્ટર ૨૧ પોલીસે મૃતક સામે ગુનો નોંધ્યો હતો.
થોડા સમય પહેલા પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરને કારણે પણ યુવાનનું મોત થયું હતુ. મહુવા નેશનલ હાઇવે ઉપર તરેડી ગામના પાટિયા નજીક આ બનાવ સામે આવ્યો છે. જયપાલ વાળા નામના યુવકનો આખલાએ ભોગ લીધો હતો. આ યુવક મૂળ મહુવાના ખાટસુરા ગામનો રહેવાસી હતો. તરેડી નજીક બાઈક લઈને જઈ રહેલા યુવકને આખલાએ હડફેટે લેતા મોત નીપજ્યું છે.