ગાંધીનગર સાયબર ક્રાઇમના નામે નોટીસ મોકલીને છેતરપિંડીનો પ્રયાસ

અમદાવાદ,નિકોલમાં રહેતા વેપારીને દવા કંપનીએ કેસ કર્યો હોવાનું કહીને ગાંધીનગર સાયબર ક્રાઇમના નામે દંડ ભરવાનું અથવા ત્રણ મહિનાની સજા અપાવવાનું કહીને કોઇ ગઠિયાએ વોટ્સએપથી બનાવટી લીગલ નોટિસ મોકલી હતી. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ શ કરવામાં આવી છે. નિકોલમાં આવેલા દિવ્યજ્યોત ટેનામેન્ટમાં રહેતા વિષ્ણુભાઇ પંચાલ ઓઢવમાં ફર્નિચરનો  વ્યવસાય કરે છે.

ગત ૮મી એપ્રિલના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ ગાંધીનગર સાયબર ક્રાઇમના પીએસઆઇ હેમંંતસિંહ તરીકે આપીને જણાવ્યું હતું કે તમે વર્ષ ૨૦૨૨માં ઓનલાઇન દવા મંગાવીને રીસીવ નહોતી કરી અને પરત આપી હતી. સાથેસાથે દવાના ખરાબ રિવ્યું આપ્યા હતા. જેથી અર્બન મેટ્રો કંપનીએ તમારા પર છેતરપિંડી અને અન્ય કેસ બાબતને લઇને કેસ કર્યો છે. આ કેસ પાછો ખેચાવવો હોય તો કોલ કરજો. જો કેસ થશે તો ૩૦ હજારનો દંડ અથવા ત્રણ મહિનાની કેદની સજા થશે. ત્યારબાદ ગાંધીનગર ક્રાઇમબ્રાંચના નામના લેટરપેડ પર નોટિસ મોકલી હતી. જો કે સાયબર ક્રાઇમના નામે કોલ કરીને છેતરપિંડીનો પ્રયાસ કર્યો હોવાથી આ અંગે વિષ્ણુભાઇએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શ કરી છે.