ગાંધીનગરમાં પહેલા મિત્રતા કેળવી પછી ૫૫.૫૦ લાખ રૂપિયા લીધા અને છેંતરપીડી કરી

ગાંધીનગર, રાજ્યભરમાં લોકોને વિશ્વાસમાં કેળવી છેતરપિંડી આચરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે આ જ પ્રકારનો એક કેસ પાટનગર ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં પાટનગર એવા ગાંધીનગર સ્થિત સેક્ટર ૨૯માં રહેતા એક વ્યક્તિ સાથે આવો બનાવ બન્યો છે, જેમાં બિલ્ડરના પડોશીના સંબંધીએ બિલ્ડર સાથે મિત્રતા કેળવીને ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું અને ૫૫.૫૦ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ જ્યારે પરત આપવાના આવ્યા ત્યારે રૂપિયા પરત નહીં કરીને આપેલા ચેક રિટર્ન થતા આખરે બિલ્ડરને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ મામલે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર ૨૯માં રહેતા સાજીદભાઈ ઈકબાલભાઈ પરમાર બિલ્ડર તરીકે કામ કરે છે જેમની પાડોશમાં રહેતા ઇશાકભાઇ કલીમભાઇ શેખના સંબંધી અમદાવાદ નારોલ વટવા રોડ ઉપર હીર પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલઅઝીમ અબ્દુલઅઝીજ શેખ ઘરે આવતા જતા હતા.

પાડોશીનાં સંબંધીનાં નાતે સાજીદભાઈને અબ્દુલઅઝીમ સાથે મિત્રતા થઈ હતી.ત્યારબાદ અબ્દુલઅઝીમ વ્યવસાયના કામ અર્થે સાજીદભાઈ પાસે જરૂરિયાત પડતા હાથ ઉછીના રૂપિયા રોકડમાં અવાર-નવાર લઇ જતો હતો. ત્યારે ડિસેમ્બર ૨૦૨૦માં પણ અબ્દુલઅઝીમને પૈસાની જરુર હોવાથી સાજીદભાઈનાં ઘરે ઇશાકભાઈ કલીમભાઇ શેખ, મિત્ર સત્તારભાઇ અબ્દુલભાઇ વોરાને સાથે લઇ ગયો હતો અને ધંધા માટે આકસ્મિક ૫૭.૫૦ લાખ રૃપિયાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું.

જોકે અગાઉ રૂપિયા લઈને પરત આપતો હોવાથી તેમને તેની ઉપર વિશ્વાસ આવ્યો હતો અને ત્યારબાદ આરટીજીએસ મારફતે રૂ. ૫૭.૫૦ લાખ આપ્યા હતા. જે રૂપિયા વાયદા મુજબ નિયત સમયમાં પરત નહીં મળતા સાજીદભાઈએ વારંવાર ઉઘરાણી કરી હતી. જેનાં પગલે અબ્દુલઅઝીમે બે લાખ પરત કરી બાકીના રૂ. ૫૫.૫૦ લાખનો ચેક આપ્યો હતો.જોકે તે ચેક પરત ફર્યો હતો અને બાદમાં આપવામાં આવેલા અન્ય બે ચેક પણ રિટર્ન થયા હતા. જેથી તેમણે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. આખરે કંટાળીને છેતરાયાનો અહેસાસ થતાં સેક્ટર ૨૧ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી