ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનારા ૧૯ લોકો સામે નોંધાઈ ફરિયાદ

પોરબંદર,પોરબંદરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થાન એવા કીર્તિમંદિર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પુરાતત્વ વિભાગની મંજૂરી વગર બાંધકામ કરતા, પોલીસે ૧૯ મિલક્ત ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીજીના જન્મસ્થાનમાં મિલક્ત ધારકોએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે જૂનાગઢ પુરાતત્વ વિભાગના અધિકારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ૧૯ મિલક્ત ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે ગાંધીજીનો જન્મસ્થાન વિસ્તાર પુરાતત્વ વિભાગમાં હેઠળ આવે છે. જેમા કોઈપણ મંજૂરી લીધા વગર જ ગેરકાયદે બાંધકામ ઉભુ કરી દેવાતા કડક કાર્યવાહી કરાય છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાધીના જન્મસ્થળ કીર્તિમંદિર ના આસપાસના ૩૦૦ ચોરસ મીટરનો વિસ્તાર પ્રતિબંધિત છે.

જ્યારે કિરણ બેદી પોરબંદર આવ્યા હતા ત્યારે તેમણે નિરીક્ષણ કરી આ સંપૂર્ણ વિસ્તારને પુરાતત્વ વિભાગમાં સામેલ કરવાની દરખાસ્ત કરી હતી અને સરકારે આ દરખાસ્તને મંજૂર પણ કરી હતી. ત્યારથી આ વિસ્તારમાં સંપૂર્ણ મિલક્તોનો સર્વે કરી ચકાસણી કરતા કોઈ બાંધકામની મંજૂરી લેવાઈ ન હોવાથી ગેરકાયદે બાંધકામ કરનારા તમામ ૧૯ મિલક્ત ધારકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા આસપાસની સોનીની દુકાનો ધરાવતા મિલક્તધારકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.