ગાંધીનગર, સરકારી તંત્ર સામાન્ય રીતે તઘલખી નિર્ણયો માટે જાણીતું હોવાનું કહેવાય છે. પણ ઘણી વખત તે સારા નિર્ણયો પણ લઈ શકે છે. આ વાતનો પુરાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધી જયંતિ નિમિત્તે, આ જ રીતે ગુરુનાનક જયંતિએ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, તેના પરથી મળ્યો છે આમ સરકારને પણ છેવટે ડહાપણના દાઢ ફૂટી છે. આ દાઢ યોગ્ય સમયે ફૂટી છે તેમ કહી શકાય.
સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે બંધ હોય છે. પરંતુ આ વખતે સોમવારે બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે, આના પગલે લોકો વીકેન્ડની સાથે વધુ એક દિવસની રજાનો મેળ પાડીને પ્રવાસન્ સ્થળોની મુલાકાત લે તે ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે દિવાળી પછી ગુરુનાનક જયંતિ એટલે કે દેવદિવાળીના દિવસે અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેના પછીના દિવસે તે બંધ રાખવામાં આવશે.
પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એક્તાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે આ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે ત્રીજી ઓક્ટોબર, ૨૮ નવેમ્બર અને ૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની દૈનિક ધોરણે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ લોકો મુલાકાત લેતા હોય છે. જ્યારે તહેવારો દરમિયાન તો આ આંકડો દૈનિક ધોરણે ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ સુધી પહોંચી જતો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં સવા કરોડથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.