નવીદિલ્હી,રાહુલ ગાંધી વિદેશમાં અનવોન્ટેડ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરે છે. ગાંધી પરિવાર હંમેશા ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલો રહ્યો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકેલા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે નિવેદન આપ્યું હતું. આ પછી અદાણી મુદ્દે હંમેશા કેન્દ્ર સરકાર પર નિશાન સાધનાર રાહુલ પાસેથી ભાજપે જવાબ માંગ્યો છે. આઝાદે વધુમાં કહ્યું છે કે હું આવા ૧૦ ઉદાહરણ આપી શકું છે, જેમાં રાહુલ ગાંધી વિદેશ જઈને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હોય. રાહુલ એવા ઉદ્યોગપતિઓને પણ મળ્યા જેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતું નથી.
ભાજપે સૌથી પહેલા ગુલામ નબી આઝાદના ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ શેર કરી અને લખ્યું- રાહુલ ગાંધી વિદેશ જાય છે અને અવાંછિત બિઝનેસમેનને મળે છે. રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે આ બિઝનેસમેન કોણ છે જેમને તેઓ મળ્યા હતા અને આ મીટિંગ શા માટે થઈ હતી. આ પછી સોમવારે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પણ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલને પૂછ્યું કે રાહુલ જણાવે કે તે કયા બિઝનેસમેન છે, તમારો એજન્ડા શું છે?
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે શું કહ્યું? શું રાહુલ ગાંધી ભારત વિરોધી ઉદ્યોગપતિઓના ઈશારે ભારતને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મોદીજી વિરુદ્ધ કામ કરી રહ્યા છે? ગુલામ નબી આઝાદે ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ ઘણા ’અનવોન્ટેડ બિઝનેસમેન’ને મળે છે અને ઘણા બિઝનેસ હાઉસ સાથે તેમના સંબંધો છે. હવે દેશ જાણવા માંગે છે કે રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન કોને મળે છે? ભાજપને અપેક્ષા છે કે આ ઉદ્યોગપતિઓ કોણ છે જેમને રાહુલ ગાંધી મળે છે અને તેમની વચ્ચે શું ’વિલિંગ- ડીલિંગ’ છે. આ ’અનવોન્ટેડ ટ્રેડર્સ’ કોણ છે અને તેમના શું હિત છે? રવિશંકર પ્રસાદે રાહુલને પૂછ્યા વધુ ૪ સવાલ…
૧. શું રાહુલ ગાંધીએ બોફોર્સ કેસ સામે કંઈ કહ્યું?,૨. ક્વાત્રોચીને જે રીતે ભગાડવામાં આવ્યા હતા તે વિશે તેમણે કંઈ કહ્યું?,૩. નેશનલ હેરાલ્ડ કેસ …જેમાં તે પોતે જામીન પર છે તે મામલે તેમનું શું કહેવું છે… ?,૪. રાહુલ ગાંધીનો છેવટે એજન્ડા શું છે?
ખરેખરમાં આ આખો મામલો રાહુલ ગાંધીના એક ટ્વીટ બાદ સામે આવ્યો છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના પાંચ પૂર્વ નેતાઓ અદાણી કેસ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપનો હાથો બની ગયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના આ પૂર્વ નેતાઓમાં ગુલામ નબી આઝાદનું નામ પણ લીધું હતું. આ અંગે એક ઈન્ટરવ્યુમાં ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીના દાવાના જવાબમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આવું કહ્યું તે શરમજનક છે. મારે ક્યારેય કોઈ ઉદ્યોગપતિ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે તેમના (રાહુલ ગાંધી) સહિત સમગ્ર પરિવાર (ગાંધી)ના ઉદ્યોગપતિઓ સાથે સંબંધ રહ્યા છે. આઝાદે વધુમાં કહ્યું કે, મારા મનમાં તે પરિવાર માટે ઘણું સન્માન છે, નહીં તો મેં કહ્યું હોત કે તેઓ દેશની બહાર ક્યાં-ક્યાં ગયા હતા અને ઉદ્યોગપતિઓને મળ્યા હતા.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદે અગાઉ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હજી પણ રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આરોપ લગાવ્યા હતા કે બિનઅનુભવી ચાપલુસોની નવી મંડળી તેમના કામકાજને સંભાળી રહી છે. તેમણે કહ્યું હતું કે હું જેટલો ભૂતકાળમાં જઉં છું, તેટલી જ કડવાશ સામે આવે છે અને હું પાર્ટીમાંથી બહાર થયા બાદ તેમાં વધુ પડતો પડવા માંગતો નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ફરીથી અદાણીના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે સત્ય છુપાવે છે, તેથી જ તે દરરોજ ગેરમાર્ગે દોરે છે. તેમણે પૂછ્યું હતું કે અદાણીની કંપનીઓમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના બેનામી નાણાં કોના નામે છે? આ સિવાય રાહુલે કોંગ્રેસના ૫ પૂર્વ નેતાઓને પણ અદાણી સાથે જોડ્યા હતા. તેણે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો.