ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

ગાંધીનગર, અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પર કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે અંદાજે ૨ લાખના દારૂના જથ્થા સાથે ૭ લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને માહિતી મલી હતી કે અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પરથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કાર આંતરી હતી. કારમાંથી પોલીસને રૂ.૧,૯૦,૯૬૦ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.૭,૦૦,૯૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે કારમાં દારૂ ભરનાર અને ડ્રાઈવર રાજસ્થાનના ખેમરાજ ઉર્ફે નિર્મલ ગોતાભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અરવિંદ બિશ્ર્નોઈ, કારનો માલિક તથા દારૂની ડિલીવરી લેવા આવનાર મળીને ત્રણ શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે. એસએમસીના પીએસઆઈ જે એમ પઠાણ અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.