નવીદિલ્હી,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના ટૉપ ગેમર્સ સાથે વાતચીત કરી હતી તથા પોતે પણ ગેમિંગ પર હાથ અજમાવ્યો હતો. જોકે ગેમ રમ્યા બાદ મોદીએ કહ્યું હતું કે ભગવાન કરે મને આની આદત પડે નહીં. ગેમર્સ સાથે વાતચીતમાં મોદીએ ગેમિંગ-ઇન્ડસ્ટ્રીને લઈને પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમણે ગેમિંગ-સેક્ટર પર નિયંત્રણો મૂકવાની જરૂર નથી એમ જણાવ્યું હતું.
વાતચીત દરમ્યાન અનિમેષ અગરવાલ નામના ગેમરે કહ્યું હતું કે સરકારે ગેમિંગને મેઇનસ્ટ્રીમ સ્પૉર્ટ્સ તરીકે માન્યતા આપવી જોઈએ, કારણ કે આ સ્કિલ-બેઝ્ડ રમત છે અને એમાં ગૅમ્બલિંગનો સમાવેશ થતો નથી. કચ્છના ગેમર તીર્થ મહેતાએ કહ્યું હતું કે લોકો એવું માને છે કે ગેમિંગ માત્ર ટાઇમપાસ છે, એ લુડો જેવી સહેલી રમત છે; પણ એવું નથી, ગેમિંગ પણ ચેસની જેમ મગજ ક્સવું પડે એવી પ્રવૃત્તિ છે અને એમાં શારીરિક-માનસિક સજ્જતા જરૂરી હોય છે.