રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં ૩૦થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા બાદ, તંત્ર સફાળું જાગ્યું અને હવે આવી ઘટનાઓ ન બને એ માટે વિવિધ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખતાઈ અપનાવી રહી છે. હવે સુરતમાં ગેમઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર ૬૩ પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. ગેમઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. સાથે જ જે ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ છે તેમણે પણ નવેસરથી લાઇસન્સ લેવું પડશે.
સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન શહેરના દરેક ગેમઝોનના માલિકોએ કરવાનું રહેશે. ભલે હાલમાં ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ હોય, છતાં પણ તેમણે નવેસરથી લાઇસન્સ લેવું પડશે. સાથે જ અલગ અલગ ગેમની અલગ પરમિશન પણ લેવી પડશે. દરેક ગેમનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. ઇન્સ્પેક્શન થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય લેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે.
ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. જો આ જાહેરનામાના પાલનમાં કોઈ પણ ચૂક થઈ તો ગેમઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી સ્પષ્ટ છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના સુરતના કોઈ ગેમઝોનમાં ન બને એ માટે સુરત પોલીસ સતર્ક બની ગઈ છે.