‘ગેમ ઓવર’ લખાણની ટીશર્ટ પહેરીને તબીબી વિદ્યાર્થીનીનો આપઘાત

સુરત,

સુરતના હાંગીરપુરા વિસ્તારમાં આજે એક તબીબી વિદ્યાથનીએ આપઘાત કર્યો છે. બીએચએમએસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ’ગેમ ઓવર’ લખેલી ટી-શર્ટ પહેરી સોમવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ત્યારે તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીરપુર વિસ્તારના પટેલ નગરમાં દિલીપભાઈ પટેલનો પરિવાર રહે છે. તેમની ૨૦ વર્ષની દીકરી જાનવી પટેલ કીમમાં આવેલી બીએચએમએસ કોલેજમાં ત્રીજા વર્ષે અભ્યાસ કરતી હતી. સોમવારે બપોરે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે જાનવીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. ત્યારે પરિવારજનોએ આવીને જોયુ તો તેઓ હેબતાઈ ગયા હતા. જાનવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જેમા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે જહાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, જાનવી સુરતથી કીમ રોજ અપડાઉન કરતી હતી. તેને અભ્યાસનું ટેન્શન હતું. પરંતું તેને એટીકેટી આવી હોવાથી તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. તણાવમાં આવીને જાનવીએ આત્મહત્યાનું પગલુ ભર્યુ હતું.

પોલીસે પ્રાથમિક તપાસમાં જોયુ કે, જાનવીએ મરતા પહેલા ગેમ ઓવર લખેલી ટીશર્ટ પહેરી હતી. જે તેના જીવનના અંત તરફ ઈશારા કરી રહી હતી. જાનવીના મોતથી તેના દિલીપભાઈ પટેલ તથા અન્ય પરિવારજનો શોકમાં આવી ગયા. દિલીપભાઈ સુરત પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.