મેડાગાસ્કર, ચક્રવાતી તોફાન ’ગેમેન’એ મેડાગાસ્કર ટાપુ પર મોટી તબાહી મચાવી છે. આ તોફાનના કારણે આ સપ્તાહમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. આ સિવાય અત્યાર સુધીમાં ૨૦ હજાર લોકો વિસ્થાપિત થયા છે. ત્રણ લોકો ઘાયલ છે અને ચાર લાપતા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્યુરોએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ’ગેમેન’ એ મેડાગાસ્કરના ઉત્તર-પૂર્વમાં તબાહી મચાવી હતી.
બીએનજીઆરસીએ ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ’ગેમેન’ બુધવારે સવારે ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે મેડાગાસ્કરના ઉત્તરીય ક્ષેત્રમાં વિનાશ વેર્યો હતો. ધીરે ધીરે તે સમાપ્ત થઈ ગયું પરંતુ પૂરને કારણે મોટું નુક્સાન થયું. અનેક રસ્તાઓ અને પુલ ધરાશાયી થયા છે. દેશના સાત પ્રદેશોમાં તબાહી મચાવનાર ચક્રવાતથી ૯,૦૨૪ મકાનો સહિત કુલ ૩૬,૩૦૭ લોકો પ્રભાવિત થયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ચક્રવાત ગેમેનના કારણે આવેલા પૂરને કારણે દેશમાં વ્યાપક નુક્સાન થયું છે. લગભગ ૬,૬૭૫ ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે ૬૧૭ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. મેડાગાસ્કરના ઉત્તરમાં રસ્તાઓ અને પુલ તૂટી પડ્યા છે. ગેમેન આ વર્ષે દેશમાં સૌથી વધુ પ્રભાવિત ચક્રવાત હતું. ગયા વર્ષની શરૂઆતમાં ચક્રવાત ફ્રેડી અને ટ્રોપિકલ સ્ટોર્મ ચેન્સોના કારણે ૩૭ લોકોના મોત થયા હતા. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.