ગમલા ગામે પોલીસ સહાયતા કેન્દ્ર પાસે વર્ષ 2021માં માર્ગ અકસ્માત થયો

  • તબીબ પુત્રનો 5.43 કરોડનો વીમો પકવવા ખોટો ચાલક ઉભો કરતાં પિતા સામે ફરિયાદ નોંધાવી.

દાહોદ,દાહોદ નજીક ગમલા ગામે 2021માં માર્ગ અકસ્માતમાં તબીબ પુત્રનું મોત થયા બાદ તેનો 5.53 કરોડનો થર્ડ પાર્ટી વીમો પકવવા માટે પિતાએ ચાલક તરીકે અન્ય વ્યક્તિને ઉભો કરીને ખોટુ સોગંધનામુ કર્યું હતું. જોકે, સીઆઈડી ક્રાઈમના આદેશ બાદ પોલીસ તપાસમાં તબીબ પૂત્ર જ ગાડી ચલાવતો હોવાનું પ્રસ્થાપિત થતાં વીમા કંપનીએ ખોટુ સોગંધનામુ કરનાર પિતા સામે ગુનાહિત કાવતરા અંગેની કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ તાલુકાના કઠલા ગામના ગામતળ ફળિયામાં રહેતાં ડો.રાહુલ લબાનાએ 13 ઓક્ટોબર 2019ની રાતના 11 વાગ્યાના અરસામાં ગમલા ગામે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં જીજે-20-એન-6467 નંબરની કાર ડિવાઇડર કૂદીને પલટી ખાઇ ગઈ હતી. જેમાં ડો.રાહુલનું નિધન થઈ ગયુ હતું. આ પ્રકારની ફરિયાદ પિતા ઇન્દ્રસિંહ લબાના દ્વારા કતવારા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જોકે, આ ઘટનાના 81 દિવસ બાદ ઇન્દ્રસિંહભાઈએ આ કાર તેમનો પૂત્ર રાહુલ નહીં બલ્કે કૈલાશ ગુલિયા ભુરિયા નામક યુવક ચલાવી રહ્યો હોવાનું સોગંધનામુ કરીને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 5,43,70,000 રૂ.ના વિમાનો ક્લેઈમ કર્યો હતો. આ મામલે કંપનીને શંકા જતાં તેણે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઈમ ઘટનાની તપાસ માટેની રજૂઆત કરી હતી. આ બાબતની તપાસ લોદ ડીવાયએસપીને સોંપવામાં આવી ઝાલોદ હતી. ઝાલોદ ડીવાયએસપીએ કાર રાહુલ જ ચલાવી રહ્યો હોવાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જેથી ખોટી રીતે ચાલક અંગેનું સોગંધનામુ કરીને વીમા કંપનીમાં થર્ડ પાર્ટી ક્લેઇમ કર્યો હોવાનું પ્રસ્થાપિત થયુ હતું. આ મામલે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના અમદાવાદના મનોજ મોહનભાઈ શાહે ઇન્દ્રસિંહ લબાના સામે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કતવારા પોલીસે ઇન્દ્રસિંહ સામે ઈપીકો 462,468 અને 120(બી) મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.