નવીદિલ્હી : કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (સીસીપીએ) એ ગ્રાહકોને ભ્રામક જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરવા બદલ બે કોચિંગ સંસ્થાઓને દંડ ફટકાર્યો છે. આ સાથે તેમને જાહેરાત પાછી ખેંચી લેવા અને સુધારેલું નિવેદન પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ટ્રાવેલ પોર્ટલ અને અન્ય કંપનીઓ સામે પણ ગ્રાહકોનાં હિતોની વિરુદ્ધ કામ કરવા બદલ પગલાં લેવાયાં છે.
સિવિલ સવસ પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થા રાઉઝ આઇએએસ સ્ટડી સર્કલને રૂ. એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીસીપીએની તપાસમાં જાણવા મળ્યું કે અહીંના સફળ ૧૪૩ વિદ્યાર્થીઓમાંથી ૧૧૧ ઉમેદવારો માત્ર ઈન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામમાં સામેલ હતા, જે પૂર્ણ સમયનો કોર્સ નથી અને પ્રારંભિક અથવા મુખ્ય પરીક્ષા પાસ કરનારા યુવાનો માટે છે.
આવામાં સંપૂર્ણ જાણકારી આપ્યા વગર આવા યુવાનોને સંસ્થાના સફળ વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરવો એ ગેરમાર્ગે દોરનારી જાહેરાત છે. બીજી તરફ, સીર્ક્સ એજ્યુકેશનના જેઇઇમાં ૯૯.૯૯% સફળતાના દાવાને પણ ખોટો ગણાયો છે. તેને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ટ્રાવેલ પોર્ટલ યાત્રા, હેપ્પી ઇઝીગો અને ઇઝી માયટ્રીપ પર કોવિડ દરમિયાન રદ કરાયેલ બુકિંગ માટે રિફંડ પરત ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ભંગાર પ્રેશર કુકર વેચવાના મામલામાં ટેકશિવ સિસ્ટમ્સ સામે આદેશ જારી કરવામાં આવ્યો છે.