અમદાવાદ,ગુજરાતમાં વિદેશ જવા ઈચ્છુક પરિવારના સભ્યો પાસેથી રૂપિયા પડાવવાનો ધંધો કરતા એજન્ટો સામે ફરિયાદ દાખલ થતાં પોલીસ કાર્યવાહી થાય છે પરંતુ લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પાછા મળતા નથી. ત્રણ વર્ષમાં છેતરપીંડીની થયેલી ૧૪૦ જેટલી ફરિયાદોમાં લોકોએ ૪૧.૮૮ કરોડ ગુમાવ્યા છે જે પૈકી માત્ર ૭૪ લાખ રૂપિયા જ પાછા મળી શક્યા છે.
વિદેશ જવાની ઘેલછાના કારણે ઘણાં પરિવારો તેમની જીવનભરની કમાણી અથવા તો જર-ઝવેરાત અને જમીન ગુમાવે છે. ગૃહ વિભાગની સત્તાવાર માહિતી પ્રમાણે સૌથી વધુ ફરિયાદો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, ગાંધીનગરમાંથી આવે છે. ફરિયાદના આધારે પોલીસ એજન્ટોની તપાસ કરે છે પણ કેટલાક એજન્ટો દુકાનનું શટર પાડીને છૂમંતર થઈ ગયા હોય છે. છેતરપીંડી થઈ હોવાની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરીને એજન્ટો સામે પગલાં ભરી રહી છે પરંતુ ધરપકડ થઈ હોવાનો કેસોમાં ઝડપથી રિકવરી થતી હોતી નથી. જે તે વિસ્તારની સ્થાનિક પોલીસે કુલ ૧૯૩ આરોપીઓની ધરપકડ કરી છે તેમ છતાં હજી ૧૧૪ આરોપીઓને પોલીસ પક્કડમાંથી બહાર છે.
વિદેશમાં સ્થાયી થવાની, વિદેશમાં અભ્યાસ કરવાની અને નોકરી આપવાની વાતો કરીને આવા એજન્ટો સામાન્ય પરિવારોને છેતરતાં હોય છે. પ્રલોભનમાં આવી ચૂકેલા લોકો એજન્ટોને વિદેશ ગયા પહેલાં એડવાન્સમાં માગેલા રૂપિયા આપી દેતાં હોય છે પરંતુ લાંબા સમય પછી જવાબ નહીં મળતાં અરજદારો જ્યારે પૃચ્છા કરે છે ત્યારે એજન્ટોનો પત્તો હોતો નથી, પરિણામે છેતરાયાની અનુભૂતિ થાય છે. ગુજરાતના મોટા શહેરો તો ઠીક, હવે નાના શહેરોમાં પણ વિદેશ મોકલવાની લાલચ આપી લેભાગુ એજન્ટોનો રાફડો ફાટ્યો છે. વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ તો જાતે તૈયારી કરીને સીધું એડમિનશન લઈને વિદેશ જતા રહે છે પરંતુ જેઓને ગેરકાયદે પ્રવેશ કરીને વિદેશમાં નોકરી કરવી છે તેવા પરિવારોના સભ્યો એજન્ટોની જાળમાં આવીને ફસાઈ જતા હોય છે અને તેમની મૂડી ગુમાવે છે.