ગગનયાન મિશન પહેલા અંતરિક્ષમાં મહિલા રોબોટ મોકલાશે , નામ વ્યોમ મિત્ર

નવીદિલ્હી,\ગગનયાન મિશન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગગનયાન મિશન હેઠળ ઇસરો આ વર્ષે ભારતની પ્રથમ મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોમ મિત્ર ને અવકાશમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ઇસરોની મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોમ મિત્ર તેના મહત્વાકાંક્ષી ગગનયાન માનવ મિશન પહેલા અવકાશમાં ઉડાન ભરશે. આ હ્યુમનૉઇડ મિશન લૉન્ચ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં થવાનું છે.ઇસરોનું માનવસહિત મિશન જેમાં ત્રણ અવકાશયાત્રીઓ અવકાશની અસરોનો અનુભવ કરવા માટે સાત દિવસ સુધી અવકાશમાં જશે, આવતા વર્ષે ૨૦૨૫માં લોન્ચ થશે.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વ્યોમ મિત્ર મોડ્યુલ પરિમાણોને મોનિટર કરવા, ચેતવણીઓ જાહેર કરવા અને લાઇફ સપોર્ટ ઓપરેશન્સ ચલાવવાની ક્ષમતાથી સજ્જ છે. તે છ પેનલ ઓપરેટ કરવા અને પ્રશ્ર્નોના જવાબ આપવા જેવા કાર્યો પણ કરી શકે છે. વ્યોમ મિત્ર ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી અવકાશના વાતાવરણમાં માનવીય ક્રિયાઓનું અનુકરણ થાય.

ગગનયાનના પ્રક્ષેપણ પહેલા અનેક પરીક્ષણો ચાલી રહ્યા છે. ઘણા પરીક્ષણો પૂર્ણ થયા છે. તેનું પ્રથમ પરીક્ષણ વાહન ઉડાન ટીવી ડી૧ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને પેરાશૂટ સિસ્ટમને ક્વોલિફાય કરવાનો હતો. લોન્ચ વ્હીકલનું માનવ રેટિંગ પૂર્ણ થઈ ગયું છે. તમામ પ્રોપલ્શન તબક્કાઓ લાયક છે અને તમામ તૈયારીઓ કરવામાં આવી છે.