ગાંધીનગરમાં સરગાસણ ખાતેના ફ્લેટમાં લાગેલી આગમાં વૃદ્ધાનું મોત

ગાંધીનગર, ઉનાળો આવ્યો નથી કે ઘરોમાં એસીના શોર્ટ સર્કિટ થવાના બનાવ બનવા લાગ્યા નથી. ગાંધીનગરમાં સરગાસણ ચોકડીમાં વાસણા હડમતિયા ખાતે આવેલા સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનના એસીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે ભીષણ આગ લાગી હતી. આ આગમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ના મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમતેમ કરીને ફ્લેટ ની બહાર નીકળી ગયા હતા. પણ પછી પ્રોફેસરની માતાનું ગૂંગળામણના લીધે મોત થયું હતું.

આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેણે ફ્લેટ માં પહોંચીને ત્યાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા અને ભારે જહેમત પછી ફ્લેટ માં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં ઇકોનોમિક પ્રોફેસર તરીકે ફરજ બજાવતાડ . રનિતાબેન હીરાલાલ સાગર સરગાસણમાં વાસણા હડમતિયામાં આવેલા સાર્થક રેસિડેન્સીના ચોથા માળે આવેલા ફ્લેટ માં રહે છે.

ડો. રનીતાબેન અને તેમની માતા રંજનબેન અલગ-અલગ રૂમમાં સૂતા હતા. બપોરે અઢી વાગ્યે એસીમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. આ ઉપરાંત જોતજોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના લીધે મા-દીકરી ગાઢનિંદ્રમાંથી સફાળા જાગી ઉઠ્યા હતા. આગે ઘરના ફર્નિચર સહિતના સર સામાનને ઝપેટમાં લીધા હતા. તેના પગલે ડો. રનીતાબેને બૂમાબૂમ કરતા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા.

રહેવાસીઓની મદદથી ડો. રનીતાબેન તેમની વૃદ્દ માતા રંજનબેનને લઈને ફ્લેટની બહાર નીકળી ગયા હતા. જો કે આગના ધુમાડાના લીધે રંજનબેન બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયર ટેક્ધરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રંજનબેનને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં ફરજ પરના ડોક્ટરે રંજનબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હોસ્પિટલના સત્તાવાળાના કહેવા મુજબ તેમનું મૃત્યુ શ્ર્વાસ રૂંધાવવાથી થયું હતું. ફાયરબ્રિગેડનું પણ કહેવું છે કે ઉનાળો આવતા જ તેમને મળતા કોલમાં વધારો થયો છે.