રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે ગાયનું રક્ષણ એ તમામ લોકોના હિતમાં છે, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન ભલે હોય. અને નારાજગી વ્યક્ત કરી હતી કે આજે પણ ભારતમાં લોકોને ગાયનું સંરક્ષણ કરવાના મહત્ત્વને વારંવાર સમજાવવું પડે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવકની સંઘની કાર્યકારી સમિતિના સભ્ય જોશીએ ગૌરક્ષણ સભાના નવા પ્રોજેક્ટના ભૂમિપજન દરમિયાન લોકોને સંબોધતા કહ્યું હતું કે ભૂતકાળમાં હિન્દુ સમાજે ગાયના સંરક્ષણની સાથે અન્ય કેટલાક મુદ્દા પ્રત્યે ઉદાસીનતાભર્યું વલણ અપનાવ્યું હતું, પરંતુ વર્ષ 1888માં ગૌરક્ષણ સભા મારફતે કેટલાક લોકોએ “ગૌરક્ષણ’ માટે કામ શરૂ કર્યું હતું. જોકે, દુ:ખદ છે કે ભારત જેવા દેશમાં પણ ગાયનું રક્ષણ કરવા માટે અપીલ કરવી પડે છે. ગૌમાતા ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે. એવી કોઇ ફેક્ટરી નથી જે અનાજ, શાકભાજી કે ફળનું ઉત્પાદન કરી શકે. વિજ્ઞાન ઉપરાંત હજારો વર્ષનું જ્ઞાન પણ જણાવે છે કે રાસાયણિક ખાતર જમીનને જરૂરી પોષકતત્ત્વો પૂરા પાડી શકતા નથી.
ભારતમાં એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક અલગ કૃષિ નીતિને અપનાવવામાં આવી હતી. જોકે, આજે તે ખતરનાક સાબિત થઇ રહી છે અને માત્ર એક જ પ્રાણી આપણને તેનાથી બચાવી શકે છે અને તે ગાય છે. ગાય પરનું દરેક રિસર્ચ દર્શાવે છે કે તેનું રક્ષણ માનવજીવન માટે મહત્ત્વપૂર્ણ છે અને એ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, યુએસ અને દરેકને લાગુ પડે છે, કારણ કે કુદરત દરેક સ્થળે એક જ છે. માનવ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ગાયનું અસ્તિત્વ પણ ટકી રહે તે જરૂરી છે.”