રશિયાની પ્રતિબંધિત સંપત્તિનો ઉપયોગ કરીને યુક્રેનને ૫૦ અબજ ડોલરની લોન આપવાની અમેરિકાની દરખાસ્ત અંગે સંમતિ સાથે જી-સેવન સમીટનો પ્રારંભ થયો હતો. યુક્રેન પરના આક્રમણ માટે રશિયા વળતર ન ચુકવે ત્યાં સુધી અમેરિકા અને યુરોપના દેશો રશિયાની પ્રતિબંધિત મિલક્તો જપ્ત કરવા માટે સંમત થયા છે. આ હિલચાલની સાથે જી-સેવન દેશોના શિખર સંમેલનમાં કીવ માટે ઇં૫૦ અબજના લોન પેકેજની જાહેરાત થવાનો માર્ગ મોકળો થયો છે, એમ અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
જી-સેવન સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન યુક્રેના વડા વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે એક સિક્યોરિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે. અમેરિકા અને યુરોપ વચ્ચેની આ સમજૂતી હેઠળ રશિયાની ટાંચમાં લેવામાં આવેલી આશરે ૨૬૦ અબજ ડોલરની સંપત્તિના વ્યાજ અને આવકનો જામીનગીરી તરીકે ઉપયોગ કરીને અમેરિકા યુક્રેનને ૫૦ અબજ ડોલરની લોન આપશે. આ ઉપરાંત બીજા ભાગીદાર દેશો પણ વધારાની લોન આપશે. આ લોનનો પ્રથમ હપ્તો આ વર્ષે યુક્રેનને ચુકવવામાં આવશે, જોકે યુક્રેનને આ તમામ નાણાનો ઉપયોગ કરતાં સમય લાગશે.
જી-સેવન દેશોના નેતાઓના નિવેદનમાં રશિયાની એસેટ્સને સંપૂર્ણપણે જપ્ત કરવાના માર્ગને પણ ખુલ્લો રાખવામાં આવશે. જોકે કાનૂની અને નાણાકીય સ્થિરતાની ચિંતાને કારણે નેતાઓ હજુ આ અંગે રાજકીય ઇચ્છાશક્તિ ઊભી કરી શક્યા નથી. ધનિક દેશો રશિયા સામે યુક્રેનના સંરક્ષણ દળોને મજબૂત કરવાના નવા માર્ગની ચકાસણી કરી રહ્યાં છે ત્યારે બાઇડન અને ઝેલેન્સ્કી વચ્ચે બંને દેશોના દ્વિપક્ષીય સુરક્ષા કરારની ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજાશે. યુક્રેનને અમેરિકાની આશરે ૬૦ અબજ ડોલરની સહાયની સંસદમાં અટવાયેલી દરખાસ્તને મંજૂર કરાવવામાં વ્હાઇટ હાઉસને સફળતા મળી તેના થોડા મહિનામાં આ હિલચાલ થઈ છે.
જી-સેવન શિખર બેઠકને કારણે અપુલિયાની રાજધાની બારીમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની સાથેના પ્રતિનિધિમંડળના ઓર્ડરને પહોંચી વળવા રેસ્ટોરન્ટનો સ્ટાફ પૂરઝડપે કામ કરી રહ્યો છે. નમસ્તે ઇન્ડિયા નામની આ રેસ્ટોરન્ટ તેના સ્થાપક રુપિન્દર સિંહના મૂળ પંજાબથી પ્રેરિત પરંપરાગત વાનગીઓ ઓફર કરે છે. તેના હોશિયારપુરમાં જન્મેલા મેનેજર હર્ષ ધાંડાએ વડાપ્રધાનની સાથે અધિકારીઓ માટે ભોજન બનાવવાની અને ઘરથી દૂર ભારતના સ્વાદનો આનંદ માણવાની સંભાવના અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.