જી -૨૦ પુસ્તકમાં મુઘલ બાદશાહ અકબરનો ઉલ્લેખ, કપિલ સિબ્બલે કહ્યું- આ છે મોદી સરકારનું બેવડું સ્વરૂપ

નવીદિલ્હી, રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે જી ૨૦ પુસ્તિકામાં મુઘલ સમ્રાટ અકબરની પ્રશંસા કરવા બદલ સરકારની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે તેનો એક ચહેરો દુનિયાને બતાવવાનો છે અને બીજો ભારત માટે છે, જે ભારત છે.સિબ્બલ જી-૨૦ની એક પુસ્તિકા ઈન્ડિયા: ધ મધર ઑફ ડેમોક્રેસી નો ઉલ્લેખ કરી રહ્યા હતા. ૩૮ પાનાની આ પુસ્તિકામાં અકબર વિશે વિગતો છે. આ પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે સુશાસનમાં દરેકનું કલ્યાણ સામેલ હોવું જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય. આ પ્રકારની લોકશાહી મુઘલ સમ્રાટ અકબરના સમયમાં અસ્તિત્વમાં હતી.

આના પર સરકાર પર કટાક્ષ કરતા સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પોસ્ટમાં કહ્યું, જી ૨૦ બુકલેટ: સરકારે મુઘલ સમ્રાટ અકબરને શાંતિ અને લોકશાહીના પ્રણેતા તરીકે વખાણ્યા છે. એક ચહેરો: વિશ્ર્વ માટે, બીજો ચહેરો: ભારત માટે જે ભારત છે. કૃપા કરીને અમને તમારી વાસ્તવિક લાગણીઓ જણાવો. આ પુસ્તિકામાં કહેવામાં આવ્યું હતું કે અકબરે ધામક ભેદભાવનો સામનો કરવા માટે સુલ્હ-એ-કુલ એટલે કે વૈશ્ર્વિક શાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. પુસ્તિકામાં કહેવાયું છે કે સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવા માટે તેમણે એક નવા સુમેળભર્યા ધર્મ ‘દીન-એ-ઈલાહી’નો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમણે ‘ઇબાદતખાના (પ્રાર્થના સ્થળ)’ની પણ સ્થાપના કરી જ્યાં વિવિધ સંપ્રદાયોના બુદ્ધિશાળી લોકો મળ્યા અને ચર્ચા કરી.

પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે નવ અત્યંત બુદ્ધિશાળી લોકો, જેને નવરત્ન કહેવાય છે, અકબરના સલાહકાર તરીકે કામ કરતા હતા અને તેમની લોકો-કેન્દ્રિત નીતિઓના અમલીકરણ માટે જવાબદાર હતા. પુસ્તિકા અનુસાર, “લોકશાહીનો અકબરનો વિચાર અસાધારણ હતો અને તે તેમના સમય કરતા ઘણો આગળ હતો. અકબરના સમયમાં આ ખ્યાલ મજબૂત થયો કે બહુ-ધર્મી સમાજ માત્ર સમાવેશી નીતિના આધારે જ આગળ વધી શકે છે. અકબરના શાસનકાળ દરમિયાન કેટલાક અનોખા પ્રયોગો કરવામાં આવ્યા હતા અને આજે પણ તેની અસર જીવનના અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે.