રેફ્રિજરેટરમાં વીજ કરંટ લાગવાથી માતા-પુત્રી બંનેનું ઘટનાસ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં રેફ્રિજરેટરમાં વીજ કરંટ લાગવાથી માતા-પુત્રી બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ૫૫ વર્ષની શાયદા ફ્રીજમાં રાખેલી કેરીઓ કાઢવા ગઈ હતી અને દરવાજો ખોલતા જ તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. માતાને ફ્રિજમાં ફસાયેલી જોઈ પુત્રી અફસાના ખાતૂન (૩૦) તેને બચાવવા દોડી હતી પરંતુ તે પણ વીજ શોકનો ભોગ બની હતી.

વાસ્તવમાં, અફસાના મે મહિનામાં તેની નાની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે તેના માતાપિતાના ઘરે પહોંચી હતી. ત્યારથી તે તેના મામાના ઘરે રહેતી હતી. દરમિયાન બપોરે બનેલી ઘટનામાં તેણે જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાં જ રૂદ્રપુર નગરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસ પણ આવી પહોંચી. જોકે, પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈક્ધાર કર્યો હતો. આથી પોલીસે પંચનામા કરી માતા-પુત્રીના મૃતદેહ તેમના સ્વજનોને સોંપ્યા હતા.

જણાવી દઈએ કે રૂદ્રપુર નગર પંચાયત હેઠળના આઝાદ નગર વોર્ડના રહેવાસી ઈસ્તાખાર અંસારીની પાનની દુકાન છે અને તે સ્ટોરકીપર તરીકે પણ કામ કરે છે. તેમને ત્રણ પુત્રીઓ રૂખસાના ખાતૂન, અફસાના ખાતૂન, શકીના ખાતૂન અને એક પુત્ર સલીમ છે. મે મહિનામાં નાની દીકરી શકીનાના લગ્ન હતા જેમાં તેમની બે દીકરીઓ રૂખસાના અને અફસાના હાજરી આપવા આવી હતી. લગ્ન બાદ રૂક્સાના તેના સાસરે જતી રહી હતી અને પરિણીત શકીના પણ તેના સાસરે ગઈ હતી. પરંતુ અફસાના તેના મામાના ઘરે હતી. તે પણ બે-ચાર દિવસમાં તેના સાસરે જવાની તૈયારી કરી રહી હતી ત્યારે અચાનક આ દર્દનાક બનાવ બન્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બપોરે શાયદા ફ્રીજમાંથી કેરી કાઢવા ગઈ તો તે તેમાં ફસાઈ ગઈ. આ જોઈને પુત્રી અફસાના તેની માતાને બચાવવા દોડી હતી અને તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં અફસાનાનો પુત્ર પણ દાઝી ગયો હતો પરંતુ તે ઠીક છે. આ અકસ્માતમાં માતા-પુત્રી બંનેના મોત થયા હતા. વરસાદ દરમિયાન રેફ્રિજરેટરમાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.

માહિતી મળતાં સીઓ રૂદ્રપુર અંશુમન શ્રીવાસ્તવ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવાનો સ્પષ્ટ ઈક્ધાર કરી દીધો હતો, ત્યારબાદ પોલીસે પંચનામા કર્યા બાદ જ મૃતદેહ સ્વજનોને સોંપ્યા હતા. મૃતકનો પુત્ર દુબઈમાં છે. હાલમાં તેની રાહ જોવાઈ રહી છે.