બીજીંગ,રશિયા-યુક્રેન સંઘર્ષમાં ચીને શાંતિ યોજના રજૂ કર્યાના એક દિવસ બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે તેઓ એપ્રિલમાં ચીનની મુલાકાત લેશે. તેમણે ચીનને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર દબાણ બનાવવામાં મદદ કરે એવી વિનંતી પણ કરી હતી.
“ચીન શાંતિના પ્રયાસોમાં સામેલ છે તે એક સારી બાબત છે. રશિયન આક્રમણ અટકાવવામાં આવે, સૈનિકો પાછા ખેંચવામાં આવે અને યુક્રેન અને તેના લોકોની પ્રાદેશિક સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે તો જ આ વિસ્તારમાં શાંતિ શક્ય છે”, એમ મેક્રોને ઉમેર્યું હતું. મેક્રોને ચીનને “રશિયાને કોઈપણ શસ્ત્રો ન આપવા” વિનંતી કરી હતી અને રશિયા ક્યારેય રાસાયણિક અથવા પરમાણુ શસ્ત્રો નો ઉપયોગ ન કરે એવું દબાણ લાવવા માટે તેમ જ વાટાઘાટો પહેલા આક્રમણને અટકાવવા માટે બેઇજિંગની મદદ માંગી હતી.
ચીને તેના વ્યૂહાત્મક સાથી મોસ્કો સાથે ગાઢ સંબંધો જાળવી રાખીને અત્યાર સુધી તટસ્થ વલણ જાળવવાનો પ્રયાસ કર્યો છે. ચીને શુક્રવારે ૧૨-પોઇન્ટ પોઝિશન પેપર પ્રકાશિત કર્યું હતું, જેમાં તાકીદની શાંતિ વાટાઘાટો અને સંઘર્ષને સમાપ્ત કરવા માટે “રાજકીય સમાધાન” માટે હાકલ કરવામાં આવી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ ચીની પ્રમુખ શી જિનપિંગને મળવાની આશા વ્યક્ત કરી હતી અને તેને “વિશ્ર્વ સુરક્ષા માટે મહત્વપૂર્ણ” કદમ ગણાવ્યું હતું.